National

૨૧ નવેમ્બર – વિશ્વ ટેલિવિઝન દિવસઃ આ વર્ષની થીમ છે ‘ટેલિવિઝનઃ કનેક્ટિંગ ધ વર્લ્ડ’

એક સમયે ટીવી બ્રોડકાસ્ટ કે કેબલ પ્રસારણ પૂરતા સિમીત હતા, આજે સ્માર્ટ ટીવી ઈન્ટરેક્ટિવ બન્યા છે

આલેખનઃ સંદીપ કાનાણી

એક સમયે શિક્ષણ, માહિતી અને મનોરંજન પીરસવાના હેતુસર શરૂ થયેલું ટેલિવિઝન આજે જાણે જીવનના એક અનિવાર્ય ભાગ સમાન બની ગયું છે. ટીવીના મહત્ત્વને ધ્યાનમાં રાખતા દર વર્ષે ૨૧મી નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે.

ટેલિવિઝન દર્શકોને વિવિધ માહિતી તો પીરસે છે, પણ દેશ-વિદેશની ઘટના, સમાચારો, વિવિધ વિષયોની માહિતી, સાંસ્કૃતિક રીત-રિવાજો વગેરેની જાણકારી થકી વિશ્વના એક હિસ્સાના લોકોને બીજા હિસ્સા સાથે જોડે છે. વર્તમાન સમયમાં સતત બદલાતી ટેકનોલોજી સાથે ટીવી માત્ર બ્રોડકાસ્ટ કે કેબલ પ્રસારણ પૂરતું જ સીમિત નથી રહ્યું, લેટેસ્ટ ટીવીમાં વિવિધ મલ્ટિમીડિયા શો નિહાળી શકાય છે, લાઈવ વીડિયો કે મ્યુઝિક સ્ટ્રીમિંગ જેવા ઈન્ટરેક્ટિવ કાર્યક્રમોમાં દર્શકો ઓનલાઈન સામેલ થાય છે, ટીવીમાં ઈન્ટરનેટ બ્રાઉઝિંગ પણ થઈ શકે છે. આથી જ વર્ષ ૨૦૨૪ના વિશ્વ ટેલિવિઝનની થીમ ‘ટેલિવિઝનઃ કનેક્ટિંગ ધ વર્લ્ડ’ (ટેલિવિઝન વિશ્વને જોડે છે) રાખવામાં આવી છે.

સન ૧૯૨૬માં સ્કોટિશ એન્જિનિયર, જ્હોન લોગી બાયર્ડે ટેલિવિઝનની શોધ કરી હતી. જો કે ફિલો ફર્ન્સવર્થે સન ૧૯૨૭માં વિશ્વનું પ્રથમ કાર્યરત ટેલિવિઝન બનાવ્યું, જે ૦૧ સપ્ટેમ્બર ૧૯૨૮ના રોજ પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. કલર ટેલિવિઝનની શોધ પણ જ્હોન લોગી બાયર્ડે વર્ષ ૧૯૨૮માં કરી હતી. એ પછી ટીવી પર સૌ પ્રથમ સાર્વજનિક પ્રસારણ ૧૯૪૦થી શરૂ થયું હતું.

ટીવીની શરૂઆત પછી તે કમ્યુનિકેશનનું પ્રભાવશાળી માધ્યમ તરીકે ઉભર્યું અને તેનું મહત્ત્વ વધતું ચાલ્યું. આથી નવેમ્બર ૧૯૯૬માં, સંયુક્ત રાષ્ટ્ર (યુનાઈટેડ નેશન્સ)એ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું આયોજન કર્યું હતું. જેમાં અગ્રણી મીડિયા હસ્તીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીવીના વધતા મહત્વ પર ચર્ચા કરી હતી. તેથી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ દર વર્ષે ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસ વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે મનાવાય છે.

ટેલિવિઝન તેની શોધના ત્રણ દાયકા પછી ભારતમાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના સહયોગથી નવી દિલ્હીમાં ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯ના રોજ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી. ટીવીની શરૂઆત ’ઓલ ઈન્ડિયા રેડિયો’ હેઠળ કરવામાં આવી હતી અને ટીવીનું પ્રથમ ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાં બનાવવામાં આવ્યું હતું, જે પાંચમા માળે હતું. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.

ભારતમાં ટીવીના શરૂઆતના દિવસોમાં, સામુદાયિક સ્વાસ્થ્ય, ટ્રાફિક, રસ્તાના નિયમો, ફરજો અને નાગરિકોના અધિકારો જેવા વિષયો પર અઠવાડિયામાં બે વાર દિવસમાં એક કલાક માટે કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા.

સન ૧૯૭૨ સુધીમાં અમૃતસર અને મુંબઈ માટે ટેલિવિઝન સેવાઓ શરૂ થઈ. જ્યારે ૧૯૭૫ સુધી ભારતના માત્ર સાત શહેરોમાં ટેલિવિઝન સેવા શરૂ કરવામાં આવી હતી.ભારતમાં વર્ષ ૧૯૮૨માં રંગીન ટીવી અને રાષ્ટ્રીય પ્રસારણ શરૂ થયું હતું.

ગુજરાતમાં પહેલીવાર સન ૧૯૭૫માં ખેડા જિલ્લાના પીજ મુકામે ટી.વી. કેન્દ્ર શરુ થયું હતું. તેમાં દરરોજ સાંજના બે કલાક માત્ર કૃષિ અને પશુપાલન વિષયક કાર્યક્રમ પ્રસારિત થતા હતા. જેને આસપાસના ૩૫ કિલોમીટરના વિસ્તાર સુધી જોઈ શકાતા હતા. આ ટીવી કેન્દ્ર ખેતીવાડી અને સંલગ્ન વ્યવસાયને ઉપયોગી થાય એ હેતુથી ભારતીય અંતરીક્ષ વિભાગ (ઇસરો)ના સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટ (સાઈટ) હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું.

એ પછી દેશમાં સમયાંતરે વિવિધ ટીવી ચેનલ્સ શરૂ થતી ગઈ અને ટીવીનો સુવર્ણ યુગ આવ્યો. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં ૨૦૨૨-૨૩ની સ્થિતિએ ૯૦૫ સેટેલાઈટ ચેનલ્સ હતી.

આજે ડિજિટલ ટેક્નોલોજીના વિકાસ સાથે ટીવી પણ બહુઆયામી બની ગયા છે.