Gujarat

“છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતીએ મને રાસાયણિક ખેતી કરતા દોઢ ગણો ફાયદો આપ્યો”

– વિછિયા તાલુકાના ઓરી ગામના ખેડૂતશ્રી વસતાભાઈ વાઘાણી

રાજયભરના ખેડૂતોને ગૌ અમૃતમ બેક્ટેરિયાના અર્કોનું વસતાભાઈ કરે છે વિનામૂલ્યે વિતરણઃ યુટયુબ ચેનલમાં ૨૦૦ જેટલા વિડિયો અનેક ખેડૂતોને આપે છે પ્રાકૃતિક ખેતીની પ્રેરણા

સાતેક જેટલા દુધાળા પશુઓ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીમાં આપે છે અમૂલ્ય ફાળોઃ અનેક ખેડૂતોને ૮૭ જેટલી ગિર ગાયોની ખરીદી કરાવતાં શ્રી વસતાભાઇ

લેખ: રિધ્ધિ ત્રિવેદી

ભણ્યા નથી પરંતુ ગણ્યા છીએ”ના સૂત્રને સાર્થક કરતા ચાર ધોરણ સુધી ભણેલા વિંછીયા તાલુકાના ઓરી ગામના રહેવાસી શ્રી વસતાભાઈ વાઘાણીએ વર્ષ ૨૦૧૯માં સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીની સરકારી તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ તેઓને ઓછી ખર્ચાળ, સ્વાસ્થ્ય માટે હિતકારી અને જમીનને ફળદ્રુપ બનાવતી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની દિશા મળી હતી.

તાલીમમાં સમજાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી માટે  જીવામૃત, ઘનામૃત, અગ્નિસ્ત્ર સહિતની પધ્ધતિઓના પ્રયોગો તેઓએ પ્રથમ પોતાના ખેતરમાં કર્યા હતા. આ દરેક પ્રયોગોથી સફળતા મળતા શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે ખેતરના અડધા ભાગમાં રાસાયણિક ખેતી અને અડધા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. શ્રી વસતાભાઈના જણાવ્યા અનુસાર રસાયણિક ખેતીથી જમીન એકદમ કઠણ અને બિન ફળદ્રુપ બને છે. જયારે, પ્રાકૃતિક ખેતીથી જમીન નરમ રહે છે. છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મને અને મારા પરિવાર, કુટુંબ, મિત્રો અને ગામ લોકોને ઘણો ફાયદો થયો છે.

શ્રી વાઘાણી ૧૨ વીઘાની જમીનમાં પાકના વાવેતર માટે ઘનામૃત અને પાકમાં પિયત અને છંટકાવ માટે જીવામૃત માટે ગાયનું છાણ, ગૌ મૂત્ર, ખાટી છાસ, બેક્ટેરિયા, ગોળનું પાણી સહિતની વસ્તુઓના બેરલ ભરીને મગ, અડદ, જુવાર, ઘઉં, મકાઈ, તલ, મગફળી, કપાસ સહિતના પાકો માટે ઉપયોગ કરે છે.  જે રસાયણિક પાકો કરતા વ્યક્તિના સ્વાસ્થ્ય માટે અને જમીન માટે ખુબ જ ફાયદાકારક અને દોઢ ગણો આર્થિક ફાયદો કરાવે છે.

પ્રાકૃતિક ખેતી ઉપરાંત તે માટે જરૂરી સાત જેટલા દુધાળા પશુઓ પણ છે. જેનાથી ખાતર બનાવવા ગૌમુત્ર, ખાટી છાસ, ગાયનું છાણ વગેરે ઉપયોગી બની રહે છે. શ્રી વસતાભાઇનો લક્ષ્ય એ છે કે, અન્ય ખેડૂતો ગીર ગાયના મહત્વના સમજી અને ગાય આધારિત ખેતી તરફ વળે તે માટે અનેક ખેડૂતોને ૮૭ જેટલી ગીર ગાયોની ખરીદી કરાવી છે.

શ્રી વસતાભાઈએ પોતાના ખેતર સુધી મર્યાદિત ન રહેતા બહોળા પ્રમાણમાં વિશાળ સમુદાયને સતત માર્ગદર્શિત કરતા રહે છે. પ્રાકૃતિક કૃષિ કર્યા બાદ અન્ય ખેડૂતો પણ આ અભિગમ તરફ પ્રેરિત થાય તે માટે “આત્મા” પ્રોજેક્ટ અન્વયે થતી તાલુકાના ગામોની મીટીંગમાં માસ્ટર ટ્રેનર તરીકે પણ સેવા આપી છે. આ ઉપરાંત, “ગાય આધારિત ખેતી” નામની યુ-ટયુબ ચેનલના માધ્યમથી ગુજરાતના આશરે હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવવા તરફ વાળ્યા છે. તેઓએ પોતાની ચેનલના માધ્યમથી ગાય માતાના છાણની તાકાત, અગ્નિઅસ્ત્ર, ગૌ અમૃતમ બેક્ટેરિયા, અળસિયાનો પાવર, ગીર ગાયની ખાસિયત, પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું આયોજન, જીવામૃત, ઘનામૃત સહિતના વિષયો પર ૨૦૦થી વધુ વિડીયો બનાવીને ગુજરાતભરના ધરતી પુત્રોને માર્ગદર્શન આપે છે. તેમજ ગુજરાતભરના ખેડૂતોના પ્રાકૃતિક ખેતી સંબધિત તમામ પ્રશ્નોનું નિવારણ ટેલિફોન દ્વારા કર્યું છે. વધુમાં તેઓ વિવિધ પાકો માટે તૈયાર કરાતા જીવામૃત, ઘન જીવામૃત, ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા, આંકડાનું દ્રાવણ, નેનો હ્યુમિક, પાંદડાના અર્કો સહિતના ફર્મા તૈયાર કરી વિનામૂલ્યે રાજ્યભરના ખેડૂતોને આપી મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના લીધે વસતાભાઈના ખેતરની આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે પરંતુ, વસતાભાઈ પ્રાકૃતિક કૃષિ કરતા હોવાથી તેમના ખેતરમાં અળસિયાઓએ જમીનમાં છીદ્રો કર્યા હોય જેના લીધે વરસાદી પાણી જમીનમાં શોષાય જાય છે. આ રીતે જળસંચયની કામગીરી પણ થાય છે.