Gujarat

રાજકોટમાં મહિલા પર કૌટુંબિક દિયર દ્વારા દુષ્કર્મ આચ્રીયો આરોપીની ધમકીથી પતિનીએ આત્મહત્યા કરી

રાજકોટમાં રહેતી ચાર સંતાનોની માતા સાથે કૌટુંબીક દિયર શંકરે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાની અને તેના પતિને ધમકી આપતા તેણે આત્મહત્યા કરી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે ભૂજ રહેતા આરોપી શંકરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર પરિણીતાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. ૫ સપ્ટેમ્બરના રોજ ઘરે હતી ત્યારે પતિના કાકાનો પુત્ર શંકર મહેમાન થઇ આવ્યો હતો. જે થોડા દિવસ રોકાયા બાદ અવારનવાર ઘરે આવવા લાગ્યો હતો.

એક વખત તેનો પતિ ઝુંપડે હાજર ન હતો ત્યારે ઝુંપડે આવી તેની ઉપર નજર બગાડી અડપલા કર્યા હતા. પરંતુ શંકર ખૂંખાર હોવાથી તે ડરી જતાં કોઇને આ બાબતે જાણ કરી ન હતી. ત્યાર પછી શંકર અવારનવાર તેના પતિ ઘરે ન હોય ત્યારે ઝુંપડે આવી તેની ઉપર ખરાબ નજર નાખતો હતો. ગત દિવાળીની રાત્રે પતિ ઘરે હાજર ન હતા ત્યારે ઝુંપડે આવી, છરી બતાવી, બાળકો અને પતિને મારી નાખવાની ધમકી આપી, બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.

સાથોસાથ ધમકી આપી હતી કે તને, તારા પતિ અને સંતાનોને જીવતા નહીં રહેવા દઉં. પરિણામે પરિવારમાં કોઇને આ વાતની જાણ કરી ન હતી. થોડા દિવસ બાદ શંકરે તેના પરિવારને મહેમાનગતિ કરવા માટે ભૂજ બોલાવ્યા હતા. જ્યાં તે પતિ અને સસરા સાથે ગઇ હતી. તે વખતે શંકરે તેના પતિ અને સસરાને મારકૂટ કરી હતી. જેથી તે વચ્ચે છોડાવવા પડતા તેને પણ ગડદાપાટુનો માર મારતાં માથાના ભાગે મૂંઢ ઇજા થતાં બેભાન થઇ ગઇ હતી. થોડા સમય બાદ ભાનમાં આવતા શંકરને પતિ અને સસરા કયા છે તે બાબતે પૂછતા કહ્યું કે તે બંનેને મેં તમારા વતન મોકલી દીધા છે.

તે રાત્રે શંકરે બીજી વખત તેની સાથે શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી. તેણે વિરોધ કરતાં માથાના વાળ પકડી, બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો. આખરે તે ત્યાંથી સંતાઇને વતન જતી રહી હતી. જ્યાં ઝુંપડે પહોંચી ત્યારે થોડા સમય પછી પતિ આવ્યો હતો. જેણે તેને કહ્યું કે શંકરનો મને ફોન આવ્યો હતો અને તેણે કહ્યું છે કે તને બળજબરીથી મારી પાસે કોઇપણ ભોગે લઇ જશે, જેને કારણે મેં ઝેરી દવા પી લીધી છે, હવે તું શંકર સાથે જતી રહેજે. આટલું બોલ્યા બાદ તેનો પતિ બેભાન થઇ ગયો હતો. તેને હોસ્પિટલે લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પતિની અંતિમવિધિ પતાવ્યા બાદ ગઇકાલે તાલુકા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.