Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં જીગર ડોક્ટરોની હાટડીઓનો રાફડો ફાટ્યો છે, છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને મંડલવા ગામે બે ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોકટરો કેમેરામાં ઝડપાયા છે

સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરમાં બોગસ તબીબો બિન્દાસ્ત પણે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે છેલ્લા પંદર વર્ષથી બંગાળી ઝોલા છાપ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે.
 
નાના ગામડામાં આદિવાસી ભોળા લોકોને આ બોગસ ડોક્ટર એલોપેથિક ટ્રીટમેન્ટ આપી તેમના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે, પતરા વાળા મકાનમાં એલોપેથિક દવાઓનો મોટો જથ્થો અને વપરાયેલ મેડિકલ વેસ્ટના ઢગલા જોતા કેટલી પ્રેક્ટિસ થતી હશે એ સમજી શકાય છે. આ બંગાળી તબીબ સામે અગાઉ કેસ પણ થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં ફરીથી આ બોગસ ડોક્ટરે પોતાની હાટડીને ખોલી ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત રમવાનું શરૂ કરી દીધું. કેમેરા સામે તબીબ પોતે તમામ હકીકત કબુલી રહ્યો છે.
ઝોઝ બાદ નજીકના ગામ મંડલવા ગામે પણ ઝોલા છાપ ડોક્ટર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે. ઘરની બહાર એક શેડ ઊભો કરી આસપાસ પ્લાસ્ટિકથી કોર્ડન કરી અહીં દવાખાનું ચાલે છે. આ બોગસ ડોક્ટર પણ ૧૦ વર્ષથી અહીં દવાખાનું ચલાવે છે. એલોપેથિક ઈન્જેક્શન, બોટલ અને દવાઓનો જથ્થો જોઈ શકાય છે. મેડિકલ વેસ્ટ પણ એટલું જ પડ્યું છે. અને આ ડોકટરો આરોગ્ય સાથે તો રમે છે સાથે મોટી રકમ વસૂલી ભોળા આદિવાસીઓને આર્થિક રીતે પણ લૂંટી રહ્યા છે.
આરોગ્ય વિભાગનો બોગસ તબીબો અંગે સંપર્ક કરતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે તપાસ કરાવી પગલાં ભરવાની વાત કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર