Gujarat

જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સવારે 3 વાગ્યે ભગવાનની મૂર્તિઓ નવા મંદિર લઇ જવાતા હરિભક્તો નારાજ થયા, જૂના મંદિરે હવે તાળાં

મહુવાના ખાર ઝાંપા વિસ્તારમાં આવેલ અંદાજે 150 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ભગવાનની મૂર્તિઓને નવા બનેલા મંદિરમાં લઇ જવાતા હરિભક્તોમાં નારાજગી જોવા મળી છે. નવું મંદિર ખાર ઝાંપાથી ત્રણ કિલોમીટર દૂર સ્વામિનારાયણ ધામ સોસાયટીમાં બનાવવામાં આવ્યું છે અને આગામી 8 જાન્યુઆરી 2025ના રોજ તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે.

પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ જૂના મંદિરમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ લઇ જવાતા હરિભક્તો નારાજ છે. ભક્તોનું કહેવુ હતું કે જો ભગવાનને લઇ જ જવા હતા તો વાજતે ગાજતે ભક્તોની હાજરીમાં લઇ જવા હતા આવી રીતે મોડી રાત્રે શા માટે લઇ જવાયા?

મહુવાના ખાર ઝાંપા વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂનૂ ભગવાન સ્વામિનારાયણનું મંદિરના હાલ તાળુ મારી દેવામાં આવ્યું છે. તેમજ બહારથી જ મંદિરમાં દર્શન કરી શકાય તેવી જગ્યા હતી ત્યાં પણ દિવાલ ચણી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી મહાપુરુષ સ્વામી સેવા પૂજા કરે છે. હરિભક્તો સવારે જૂના મંદિરે પહોંચતા મંદિર બંધ હતું અને નવા મંદિરે ભગવાનને લઇ ગયાની જાણ થતાં તેઓ નવા મંદિર ગયા હતા. પરંતુ ત્યાં મહાપુરુષ સ્વામીએ હરિભક્તોને જણાવ્યું હતું કે મૂર્તિઓ નવા મંદિરે લઇ જવાનું મૂહુર્ત સવારે 3 વાગ્યાનું હતું એટલે હું ભગવાનને લઇ આવ્યો.

આ સમગ્ર મામલે મંદિરની સામે જ રહેતા હરિભક્ત જાન્હવી બાંભણિયાએ જણાવ્યું હતું કે, આ સ્વામીનારાયણ મંદિર 300 વર્ષ જૂનું છે. રાત્રે સાત વાગ્યા સુધી તો મંદિર શરૂ જ હતું. પણ, રાતે 12 વાગે અચાનર લાઈટ બંધ થઈ ગઈ હતી. તો અમને થયું કદાચ વાયરિંગમાં કાંઈ ફોલ્ટ હશે એટલે લાઈટ બંધ થઈ ગઈ હશે.

હરીભક્ત કાંતિભાઈ

જો કે સવારમાં ઉઠીને જોયું તો અહીં દિવાલ ચણાઈ ગઈ હતી, મંદિર બંધ થઈ ગયું હતું, ધજા પણ ગાયબ હતી, ઘંટી પણ નહોતી. તેમને અચાનક શું જરૂર પડી કે આમ રાત્રે અચાનકથી જ મંદિર બંધ કરવું પડ્યું. આ વર્ષો પુરાણું મંદિર છે અને આમ અચાનક આવું કરતાં અમને તો કાંઈ સમજાતું જ નથી કે, કેમ આ લોકોએ આ કર્યું.

હરિભક્ત જાન્હવી બાંભણિયા.

મિતુલભાઈએ જણાવ્યું હતું કે, અમે સવારની 7 વાગ્યાની આરતીમાં આવ્યા છીએ. સવારે આવી ને જોતાં આ મંદિર જે છે એ બંધ થઈ ગયું હતું. એ લોકો અહીંથી મૂર્તિ ઉત્થાપન કરીને નવા મંદિરે લઈ ગયા હતા.

હરીભક્ત મિતુલભાઈ

જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હજુ 28 દિવસ બાકી હતા. તો રાતે તેઓ મૂર્તિની ચોરી કરીને લઈ ગયા છે, તો આ મંદિર બંધ કરવાનું કારણ શું, કોઈપણ જૂનું મંદિર હોય તો તેને શરૂ રાખવું જોઈએ અને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. અમે તો મૂર્તિ પ્રતિષ્ઠામાં તેમની સાથે જ હતા તો આમ કરવાનું કારણ શું.