કચ્છના મુન્દ્રામાં રૂ. ૨૧૦૦૦ કરોડના હેરોઈનની ઈરાન થઈને અફઘાનિસ્તાનથી કચ્છના દાણચોરીના ચકચારભર્યા કેસમાં ૨ આરોપીઓ દ્વારા આ કેસમાંથી આરોપ મુક્ત કરીને છોડી મૂકવા માટે દાદ માંગતી કરાયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ જે ગુનામાં સંડોવાયેલા છે, તે ગુનો સામાન્ય નથી. આ બહુ ગંભીર પ્રકારનો અને સંવેદનશીલ કેસ છે, તેથી તેઓને છોડી શકાય નહીં. આરોપીઓ તરફથી એવો મુદ્દો ઉઠાવાયો હતો કે, તપાસનીશ એજન્સી એનઆઇએ દ્વારા આ કેસમાં કાયદાની નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યું નથી.
તેથી તપાસમાં ક્ષતિ હોઇ અરજદારો વિરૂધ્ધ કોઇ પુરાવો આવતો ના હોઇ તેઓને આ કેસમાં બિનતહોમત છોડી મૂકવા જાેઇએ. ગુજરાત સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, આ બહુ ગંબીર અને સંવેદનશીલ પ્રકારનો કેસ છે અને તેમાં રાષ્ટ્રીય જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય ગુનેગારો સંડોવાયેલા છે અને વિવિધ દેશો સુધી તાર જાેડાયેલા છે.
આ સંજાેગોમાં ગુનાની ગંભીરતા જાેતાં આરોપીઓને કેસમાં ડિસ્ચાર્જ કરી શકાય નહી. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા અગાઉ ખાસ એનઆઈએ કોર્ટમાં અરજી કરાઈ હતી તે ફગાવી દેવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આટલા મોટાપાયે નાર્કોટીક્સ પદાર્થની સરહદ પાર દાણચોરી અને તેના કન્સાઇનમેન્ટની હેરાફેરીની ગેરકાયદે પ્રવૃત્તિ એકલા હાથે શકય નથી અને તે સંગઠિત વ્યકિતઓના જૂથને સામેલ કરી આચરવામાં આવતી હોય છે.
જેમાં દરેક આરોપીને ચોક્કસ ભૂમિકા સોંપવામાં આવતી હોય અને ટેકનોલોજીના ઉપયોગથી આવા નેટવર્કના સભ્યોને સંબધિત ભૂમિકા નિભાવવા માટે રૂબરૂ મળવાની પણ જરૂર રહેતી નથી. હાઇકોર્ટે આરોપી પ્રિન્સ શર્મા સહિત બે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.

