Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે  “તકતી અનાવરણ”  કાર્યક્રમ યોજાયો

 શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ  ખાતે આજરોજ તા.૧૬-૧૨-૨૪ ને સોમવારે “તકતી અનાવરણ”નો  કાર્યક્રમ યોજાયો. કોલેજમાં ૩૮ વર્ષ સુધી પોતાની સુદીર્ઘ અને અમૂલ્ય સેવાઓ પ્રદાન કર્યા બાદ વયનિવૃત્ત થયેલ રાજ્યશાસ્ત્રના  પ્રોફેસર અને કોલેજના વાઇસ પ્રિન્સિપાલ આદરણીયશ્રી કે.કે.જાની સાહેબ દ્વારા કોલેજને સોલાર રૂફટોપની એક અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી છે.
સોલાર રૂફટોપની સમગ્ર વ્યવસ્થા માટે આદરણીય જાની સાહેબ અને તેમના પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ એકાવન હજારની માતબર રકમનું દાન મળેલ.જેના અનુસંધાને કોલેજ કેમ્પસ ખાતે એક સ્મૃતિ સ્વરૂપે તેમના આ યોગદાન અંગેની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ અનાવરણ આદરણીય શ્રી કે.કે. જાની સાહેબના ધર્મપત્ની શ્રીમતી રમીલાબેન તથા જાની સાહેબ અને સમગ્ર પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નૂતન કેળવણી મંડળના ઉપ પ્રમુખ કનુભાઈ ગેડીયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી. રવિયા સાહેબ તથા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી જાની પરિવારના આ શુભકાર્યને બિરદાવેલ.આ તકે જાની સાહેબે પોતાની મધુર સ્મૃતિઓ વાગોળતાં તેમના પૂર્વસૂરિ કર્મચારીઓને યાદ કર્યા હતાં અને કોલેજ પ્રત્યેનું ૠણ વ્યક્ત કર્યું હતું
 
તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન આદરણીય પ્રિન્સિપાલ ડૉ.એસ.સી.રવિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા