સ્થાનિક પોલીસ ધારાસભ્યના ખીલે કૂદી હાલતા ચાલતા આચરે છે દાદાગીરી ?
હોટલ પર MRPથી વધારે ભાવ લેવા અંગે પત્રકાર પુત્રના લૂંટી લીધેલા ચાર તોલાના સોનાના ચેનની લૂંટની ફરિયાદ નોંધવાનો ઇન્ચાર્જ પીઆઈ ઝાલાનો ઇન્કાર

પત્રકાર પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરીને હોટલ પાછળ આવેલા MLAના મનાતા ફાર્મ હાઉસ પર લઈ જઈને બ્લેક કલરનું જેકેટ પહેરેલા વ્યકિતએ સોનાના ચેનની ચલાવી હતી લૂંટ

લીંબડીના ભાજપી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની માલિકીની હોટલ જમુના હોનેસ્ટ પર તાજેતરમાં ખાણીપીણી વસ્તુના MRPથી વધારે ભાવ લેવા મુદ્દે પત્રકાર અને તેના પુત્ર પર હુમલો થયો હતો.આ હુમલા દરમ્યાન હુમલાખોરોએ પત્રકાર પુત્રનો ચાર તોલાનો સોનાનો ચેન લૂંટી લીધો હતો.આ ચેન લૂંટની ફરિયાદ કરવા માટે ભોગ બનનારા ગયા તો લીંબડી પોલીસના ઇન્ચાર્જ પીઆઈએ MLA કિરીટસિંહ રાણાની તરફેણ કરતા હોય કે તેમ આ ચેન લૂંટાયો નથી પરંતુ ખોવાઈ ગયો છે.જેથી લૂંટની નહીં પરંતુ ખોવાઈ ગયાની ફરિયાદ લેવાશે તેમ સ્પષ્ટ કહી દીધું હતું.પીએસઆઈની લૂંટની ફરિયાદ નોંધવાના ઇન્કાર સામે મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ છે.
અત્રે એ નોંધનીય છે કે ભાજપ સરકાર હાલતા ને ચાલતા કહેતા ફરે છે કે ગુજરાતમાંથી ગુંડાગીરી નાબુદ કરવી છે પણ જ્યારે જયારે ભાજપના મળતિયાઓ જ જોરજુલ્મી કરે છે ત્યારે સરકાર મો સંતાડતી હોય તેવો તાલ સર્જાય છે. મતલબ કે ભાજપનો આગેવાન, કાર્યકર કે ધારાસભ્ય જેવી વ્યક્તિ ગુંડાગીરી કરે તો તેમની સામે કોઈ પગલા ન ભરાતા હોવાનો જાગૃત લોકોમાં આક્ષેપ થયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના પત્રકાર હરેશભાઈ ભાલીયા તેના પત્રકાર પુત્ર તુષાર અને ભાણેજ વિશ્વાસ સાથે ચેનલના કામ માટે કારમાં દિલ્હી જઈ રહ્યા હતાં. ત્યારે મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ લીંબડી હાઈવે પર આવેલી જમુના – હોનેસ્ટ હોટલ પર ચા – પાણી પીવા માટે ઊભા રહ્યા હતાં. જે દરમ્યાન હોટેલમાં આવેલી પાનની દુકાન વસ્તુ લેવા ગયા હતાં.જયાં વસ્તુના MRPથી વધારે ભાવ લેવાતા વિરોધ નોંધાવ્યો હતો.

જેથી, ઉશ્કેરાયેલા બ્લેક કલરનું જેકેટ પહેરેલા દુકાન ચાલકે પત્રકાર હરેશભાઈ તેના પુત્ર તુષારને ગાળો ભાંડીને બોલાચાલી કરી હતી.ગાળો આપવાની ના પાડતા હોટેલના સ્ટાફ એકઠો થઈ ગયો હતો.આ લોકોને ફાર્મ હાઉસમાં લઈ લો એવી બુમો પાડતા લાકડી-ધોકા લઈને સ્ટાફના ટોળા એકઠા થઈ ગયા હતાં.
પુત્રના અપહરણનો પ્રયાસ કરીને હોટલ પાછળ આવેલા MLAના મનાતા ફાર્મ હાઉસ પર લઈ જવાનો પ્રયાસ કરતાં સ્ટાફના ટોળાને હરેશભાઈએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.જેથી, સ્ટાફના ટોળાએ લાકડી-ધોકા વડે હરેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.આ ઝપાઝપીમાં તુષારનો રૂ.2.31 લાખની કિંમતનો ચાર તોલા સોનાનો ચેન બ્લેક કલરના જેકેટ પહેરેલા વ્યકિતએ ખેંચી લઈને લૂંટ ચલાવી હતી.

આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈ અને તેના પુત્રને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જ્યાં સારવાર લીધા બાદ હરેશભાઈએ હોટલ સ્ટાફ સામે પોલીસ તંત્રને અરજી આપીને ચેનલના કામ સબબ દિલ્હી જવા રવાના થયા હતાં.
પીઆઈના ચાર્જમાં રહેલા ફોજદાર બહાર હોવાથી નાં લીધી ફરિયાદ
દિલ્હીથી પરત ફર્યા બાદ તાજેતરમાં લીંબડી પોલીસ સ્ટેશને ગત તા.12એ ફરિયાદ નોંધાવવા ગયા હતાં.પરંતુ, પીઆઈના ચાર્જમાં રહેલા પીએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલાએ બહાર હોવાનું જણાવીને બે દિવસ બાદ આવવાનું કહ્યું હતું. જેથી, તા.14ના રોજ ફરી ફરિયાદ કરવા લીંબડી પોલીસ સ્ટેશને ગયા અને હુમલા સાથે સોનાના ચેઇનના લૂંટની ફરિયાદ આપી હતી. પરંતુ, પીએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા ભાજપી MLA કિરીટસિંહ રાણાના દબાણ હેઠળ લૂંટની ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.
લીંબડીની પોલીસ ધારાસભ્યના ખીલે કૂદતી હોવાનો તાલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસે અરજદારની ફરિયાદ લેવી ફરજિયાત છે. પરંતુ, લીંબડી પોલીસ MLA કિરીટસિંહ રાણાના ઘૂંટણીયે પડી ગઈ હોય તેમ લૂંટની ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા આ અંગે હરેશભાઈએ મુખ્યમંત્રી, રાજ્યપાલ , ગૃહ મંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીને ચાર તોલા સોનાના કાયદેસર બિલ સાથે લૂંટની ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.સાથે જ આ લૂંટમાં પુરાવા રૂપે હોટલ જમુના – હોનેસ્ટના સીસીટીવી ફૂટેજ કબજે લેવા માંગ કરી છે.
પોલીસ ફરિયાદ નહિ નોંધે તો હાઈકોર્ટના ખખડાવાશે દ્વારા
રાજ્યના નાગરિકોની સલામતિની જેમની જવાબદારી બને છે તેવા ભાજપી ધારસભ્ય કિરીટસિંહ રાણાની હોટલ પર ગ્રાહકોને લૂંટવા ચાલતા ષડયંત્રનો વિરોધ કરવા ગયેલા પત્રકાર પર જીવલેણ હુમલો કેસમાં પોલીસે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરતા પત્રકાર આલમમાં રોષની લાગણી છવાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દે પોલીસ તંત્ર યોગ્ય ફરિયાદ નોંધીને નિષ્પક્ષ તપાસ ન કરે તો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તજવીજ હાથ ધરાઇ છે.

