Gujarat

શહેરમાં ઢોર પકડ પાર્ટીની રેકી કરવા પાછળ ફરતા લોકો સામે મનપા પોલીસ ફરિયાદ દાખલ કરશે

શહેરમાં રખડતાં ઢોર અને સેક્ટરોમાં ગેરકાયદે ઉભા થઇ ગયેલા ઢોરવાડા સામે મહાનગરપાલિકા દ્વારા ફરી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીની પાછળ ફરી તેમની રેકી કરતા અને રસ્તા પર ઢોર દોડાવતાં પશુપાલકો સામે મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ મામલે મહાનગરપાલિકાએ આવા પશુપાલકોની યાદી તૈયાર કરીને પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલીસી હેઠળ ફરી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઢોર પકડ પાર્ટીની આ કામગીરી દરમિયાન કેટલાક પશુપાલકો પોતાના બાઇક પર ટીમની પાછળ ફરી રેકી કરતા હોય છે અને આ પાર્ટી જે વિસ્તાર તરફ જાય ત્યાંના પશુપાલકોને અગાઉથી જાણ કરી દેતા હોય છે.

ક્યારેક તો ઢોર પાર્ટી પહોંચે તે પહેલા પશુઓને રસ્તા પર ભગાડી દેતા હોય છે જેના કારણે વાહનચાલકો માટે ગંભીર સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ નિવારવા માટે આ પ્રકારે રેકી કરતા બાઇકચાલક પશુપાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં ઉભા થઇ ગયેલા બિનઅધિકૃત ઢોરવાડા સામે પણ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સેક્ટર-8 ખાતે સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદે ઢોરવાડાને હટાવીને ત્યાં બાંધવામાં આવેલા 14 પશુઓ પકડવામાં આવ્યા હતા.