Gujarat

ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી.

ત્યારે સ્થળ ઉપરથી પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી 465 દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 2,60,865ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંગાવડીના જ રહેવાસી એક શખ્સનો આ દારૂનો જથ્થો હોવાની હકીકત સામે આવતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ નજીક આવતાની સાથે જ દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે અને પ્યાસીઓને દારૂ પહોંચાડવા માટે યેનકેન પ્રકારે દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હોય છે.

તેવામાં ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટંકારા તાલુકાના બંગાવડી ગામે આવેલ ડેમની બાજુમાં પાણી પુરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી. જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની 465 બોટલો મળી આવતા પોલીસે 2,60,865ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

જોકે દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હતો, પરંતુ આ દારૂનો જથ્થો બંગાવડી ગામે રહેતા રાજેન્દ્રસિંહ મયુરધ્વજસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ જાડેજાનો હોવાનો સામે આવ્યુ હોવાથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે.