Gujarat

સરદાર બાગ ખાતે  વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન યોગ શિબિર યોજાઈ

સંયુકત રાષ્ટ્ર દ્વારા ૨૧ મી ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સરદાર બાગ છોટાઉદેપુર ખાતે ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે યુવા પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે એ હેતુને ધ્યાનમાં રાખી ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નીરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ધ્યાન અને યોગ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મણકા છે.૨૧ ડિસેમ્બરનું ધ્યાન માટે વિશેષ મહત્વ છે. શિયાળાની સૌથી લાંબી રાતને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઉર્જાને પુન: સ્થાપિત કરવા માટે અનકૂળ થાય છે.
આ પ્રસંગે છોટાઉદેપુર  મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ. એસ. પટેલ,  જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા યોગ કોર્ડીનેટર રોહિણીબેન પટેલ, આચાર્ય હિમાલયન સમર્પણ મેડીટેશન વડોદરાના જીતેન્દ્ર પટેલ, હિમાલયન સમર્પણ મેડીટેશન વડોદરા સાઉથ ગુજરાત ઝોનલ સંકુલના સભ્ય જીગરભાઈ પટેલ, સમર્પણ મેડીટેશન વડોદરા પૂર્વ આચાર્ય વડોદરાના વંદનાબેન એસ.એફ.હાઈસ્કૂલના બાળકોને ટ્રેનિંગ આપતા અશ્વિનભાઈ દેસાઈ, છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નેહાબેન જયસ્વાલ તેમજ  હોમગાર્ડ જવાનો છોટાઉદેપુર નગરના યોગ સાથે જોડાયેલા યોગ સાધકો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર