Gujarat

દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી શહેની એમજીવીસીએલ કચેરીથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે સુધી બનાવવામાં આવેલ આરસી રોડ પર તેના તકલાદીપણાને કારણે બે વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ઠેર ઠેર પડી ગયેલ મસમોટી તિરાડો વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાતી જોવા મળી રહી છે

દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી શહેની એમજીવીસીએલ કચેરીથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે સુધી બનાવવામાં આવેલ આરસી રોડ પર તેના તકલાદીપણાને કારણે બે વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ઠેર ઠેર પડી ગયેલ મસમોટી તિરાડો વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાતી જોવા મળી રહી છે.

દાહોદ વાસીઓને વર્ષોથી કનડતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરના માર્ગો પર વધી ગયેલા ટ્રાફિકના ભારણને ઘટાડવા શહેરમાં પ્રવેશતા ભારે વાહનો ડાયવર્ટ કરી બારોબાર નેશનલ હાઇવે પર નીકળી શકે તે માટે વર્ષોથી તંત્ર દ્વારા કરાતી વિચરણાને અમલમાં મૂકી શહેરની એમજીવીસીએલની મુખ્ય કચેરીથી સીધો નેશનલ હાઈવે પર નીકળે તેવો આરસી રોડ બે વર્ષ અગાઉ કોઈ એજન્સી એ બનાવ્યો હતો. તે એજન્સી એ જ્યારે આ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હશે તે વખતે ટેન્ડરમાં રોડના ટકાઉપણા માટેની અવધી પણ ચોક્કસપણે દર્શાવવામાં આવી હશે.

તેમજ રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાનાર મટીરીયલનો રેશિયો પણ ચોક્કસ પણે દર્શાવવામાં આવ્યો હશે. તેમ છતાં તે એજન્સીએ આ રોડ બનાવવામાં ટેન્ડરમાં દર્શાવેલ નિયમોનું પાલન કર્યા વિના આડેધડ રોડ બનાવેલ હોવાથી માત્ર બે વર્ષ જેટલા ટૂંકા સમય ગાળામાં આ રોડ પર ઠેર ઠેર મસમોટી તિરાડો જોવા મળી રહી છે. તેમજ કેટલીક જગ્યાએ તો રોડ વચ્ચેથી તૂટી જતા રોડમાં વાપરવામાં આવેલ હલકી કક્ષાનું નજરે પડતું મટીરીયલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે.

રોડનું કામ સ્ટેટનું હોય કે પંચાયતનું હોય પરંતુ રોડ બન્યા પછી તેના ટકાઉ પણાની ચકાસણી કરી ઓકે નું સર્ટિફિકેટ આપવાની જવાબદારી જે તે તંત્રના અધિકારીની છે. અને અધિકારી દ્વારા ઓકે નું સર્ટિફિકેટ આપ્યા બાદ જ રોડને ઉપયોગમાં લેવાનું શરૂ કરવામાં આવે છે. ત્યારે આ રોડ કયા અધિકારીએ તપાસી તેને ઓકે કરી ઉપયોગમાં લેવા લાયક હોવાનું સર્ટિફિકેટ આપ્યું? કે તે રોડ પર માત્ર બે વર્ષના ટૂંકા સમય ગાળા માં જ ઠેર ઠેર મસમોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે.

ત્યારે આ રોડ પર ભ્રષ્ટાચારની ચાડી ખાતી નજરે પડતી મસ મોટી તિરાડો ઓકે નું સર્ટિફિકેટ આપનાર અધિકારીની સન્નીષ્ઠતા પર અનેક સવાલીયા નિશાન ખડા કરી રહી છે. આ રોડ કેટલીક જગ્યાએ તો એકાદ વર્ષમાં જ ફાટી જતા તે તિરાડોમાં ડામર ભરી પૂરવાની ચેષ્ટા પણ કરવામાં આવી હતી. જે હાલ પણ આ રોડ પર ઘણી જગ્યાએ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હવે તો આવા રોડનો ગેરંટી પિરિયડ વધારી દસ વર્ષ સુધી કરવાનું રાજ્ય સરકારની વિચારણા હેઠળ હોવાનું તેમજ રોડના કામમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાઈ આવશે તો તે એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવાની તૈયારીઓ કરી લીધી હોવાનું પણ ચર્ચામાં છે ત્યારે આવો તકલાદી રોડ બનાવનાર એજન્સીને પણ બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે કે નહીં તે હવે જોવું રહ્યું!!!!

રિપોર્ટર અનવર