ઉના અને ગીર ગઢડા તાલુકામાં શેરડીના રાબડા શરૂ થયા.સુગર ફેકટરી ચાલુ ના હોવાથી શેરડીની ખેતી કરનાર ખેડૂતને એક માત્ર આધાર આ ગોળ બનાવતા રાબડા છે. એક સમય હતો કે ઉના અને ગીર ગઢડા તાલુકા પંથકમાં સુગર ફેકટરી ધમધમતી અને ખેડૂતો શેરડીનું વાવેતર કરી ખૂબ સારી એવી આવક મેળવતાં. એ સમયે લીલી નાઘેર તરીકે ઉના તાલુકો પ્રખ્યાત થયેલો. સમય જતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ અને ઊનાની એક માત્ર સહકારી ઉદ્યોગ સુગર ફેક્ટરી બંધ થઈ અને બોજા હેઠળ ધકેલાય. હાલ ખેડુતો શેરડીનું વાવેતર કરે છે પણ ગોળ બનાવતા રાબડા ઉપર નિર્ભર રહે છે. શિયાળાની શરૂઆત થતાં ઉના અને ગીરગઢડા તાલુકા પંથકમાં રાબડા ધમધમવા લાગે છે. અહીં દેશી ઢીલો ગોળ બનાવે છે. જે ખાવામાં આરોગ્ય માટે ખૂબ ફાયદાકાર હોય છે.

આ ગોળ દેખાવે થોડો કાળો લાગે છે પણ આ ગોળમાં કેમિકલ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી આ ગોળ જોવામાં થોડો કાળો લાગે છે પણ ખાવામાં બહુ મીઠો હોય છે. ગોળનું માર્કેટ સુરત,બારડોલી તરફ વધુ રહેતું હોય છે પણ ત્યાં ભિલો ગોળ બનાવે છે જે કડક અને પીળા કલરનો હોય ગોળ બનાવતા આ રાબડા ઉના તાલુકાના ખાપટ, અમોદ્રા અને નાઠેજ ગામે ચાલે છે અને ગીર ગઢડા તાલુકાના સોનપરા અને જામવાળા ગામે રાબડા શરૂ થયા છે. શેરડીમાંથી ગોળ બનાવતાની પ્રક્રિયા ખૂબ મોંઘી અને મહેનત વાળી છે. ખેડૂત દ્વારા શેરડીને 13થી 14 મહિના જાળવણી કરવામાં આવે છે. ત્યાર બાદ ખેતરમાંથી શેરડી કાપીને રાબડામાં લાવવામાં આવે છે.

અહીં શેરડીના રસને પિલાણ કરી તેમાંથી રસ કાઢવામાં આવે છે. જ્યારે શેરડીની છાલને સૂકવીને તેનો બળતણ તરીકે શેરડીના રસને બાળવામાં જ ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. શેરડીનાં રસ પાંચ તવામાં ગરમ કરવામાં આવે છે અને તેમાંથી પાણીનો ભાગ બાળવામાં આવે છે. છેલ્લા તવામાં ગોળ લાલ થઈને ઘાટો બની જાય છે. આ છેલ્લા તવાનું તાપમાન 200° ડિગ્રીથી વધુ હોય છે. અહીંથી ગોળને ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પડતાં ગોળ ઘટ્ટ થઈ જાય છે અને ફરી તેને ડબ્બામાં ભરવામાં આવે છે. ગોળ બનાવવાની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ સમય માગી લે છે.
ઉના ગીર ગઢડા તાલુકામાં ખેડુત દ્વારા શેરડીનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. કારણ કે 13 થી 14 મહિનાની મહેનત પછી શેરડીના ભાવ મળતા નથી. રાબડાવાળાને ગોળના યોગ્ય ભાવ મળતા નથી. તેથી ગોળ બનાવતા રાબડા પણ ઓછા થઈ રહ્યા છે.

