ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
રાજકોટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.) પીપળીયા ખાતે આજે પ્રાકૃતિક કૃષિના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ-રાજકોટ દ્વારા જિલ્લાના ધોરાજી, જામકંડોરણા તેમજ ઉપલેટા તાલુકાના ખેડૂતો માટે આ માર્ગદર્શક પરીસંવાદ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અટારી પુનાના નિયામક ડૉ એસ. કે. રોય, જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ એન. બી. જાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડૉ એ. જે. ભટ્ટ, રાજકોટ જિલ્લાના પ્રોજેકટ ડાયરેકટર શ્રી એચ. ડી. વાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિસંવાદમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાંસાઓથી લઈને, રસાયણ તથા ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો કઈ રીતે લઈ શકાય, ઝીરો બજેટ ખેતી કેવી રીતે કરી શકાય તેમજ કૃષિ ઉત્પાદનોના મૂલ્યવર્ધન થકી ખેડૂતો કઈ રીતે વધુ આવક મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તે અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ધોરાજી, જામકંડોરણા તેમજ ઉપલેટા તાલુકાઓના વિવિધ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ આ પરિસંવાદનો લાભ લીધો હતો