Gujarat

છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશ મુદ્દે એક થવાનું આહવાન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામ ખાતે આદિવાસી સમાજનો સ્નેહમિલન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ આદિવાસી સમાજની ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે નવા વર્ષ નિમિત્તે હું પ્રકૃતિ સમક્ષ પ્રાર્થના કરું છું કે આવનારું નવું વર્ષ તમામ લોકો માટે સુખ સમૃદ્ધિ અને શાંતિની સાથે સાથે સ્વચ્છ નિરોગી આરોગ્ય પ્રદાન કરે. આજે ગુજરાતમાં 182 વિધાનસભામાંથી 27 સીટો આદિવાસી માટે રિઝર્વ છે. પરંતુ જ્યારે આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાની વાત હોય, ત્યારે એક બે આદિવાસી ધારાસભ્યોને છોડીને કોઈપણ ધારાસભ્ય વિધાનસભામાં આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતો નથી. આપણા વિસ્તારમાં આજે આપણી સાથે ખૂબ જ અન્યાય અને અત્યાચાર થાય છે તેમ છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે તેઓ પોતાની પાર્ટીના રીમોટથી ચાલે છે.
આદિવાસી, દલિત, ઓબીસી આ દેશના મૂળ માલિકો છે. પરંતુ આ મૂળ માલિકોની હાલત કેટલી ખરાબ બનાવી દીધી છે. આજે દેશના મૂળ માલિકોને મજુર બનાવી દેવામાં આવ્યા છે. આજે આપણે રોજગારી માટે લડવું પડે છે, આવેદન નિવેદન કરવા પડે છે. જો સરકાર અમારા આદિવાસી લોકોનું વિકાસ નહીં કરે, તો આવનારા સમયમાં ભીલ પ્રદેશ બનાવવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બધા સાથે મળીને દેશમાં 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું. ભીલ પ્રદેશની રાજધાની કેવડિયાને બનાવીશું. આ વિસ્તારમાં આદિવાસી લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવામાં આવી રહ્યા છે, પરંતુ હું તમામ આદિવાસી લોકોને વિનંતી કરીશ કે આપણે હિન્દુ મુસ્લિમની લડાઈમાં પડવાનું નથી, આપણે ફક્ત આપણા અધિકારોની લડાઈ માટે મેદાને ઉતરવાનું છે. સંવિધાને આપણને જે અધિકારો આપ્યા છે તે અધિકારો આજ દિન સુધી લાગુ નથી પડ્યા તેના કારણે આપણી હાલત ખરાબ થઈ છે.
ઊંચી ઊંચી બિલ્ડીંગો બનાવીને કે મોટી નહેરો કે હાઇવે બનાવીને આદિવાસીઓનો વિકાસ થશે નહીં, પરંતુ આદિવાસી લોકોને શિક્ષણ આપો, આદિવાસીઓને પીવાનું અને સિંચાઈનું પાણી આપો, આદિવાસી લોકોને રોજગાર આપો તો જ આદિવાસી લોકોનો વિકાસ થશે. બહારથી આવતા સરકારના મળતીયાઓ અને એનજીઓના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા છે.
આ વિસ્તારમાં કેટલાક લોકો નેતા બનીને ફરે છે, તે લોકોને હું કહેવા માગું છું કે આદિવાસી લોકોને અંદર અંદર લડાવવાનું બંધ કરી દો. જો અમારા નર્મદાના વિસ્થાપિત લોકોને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે નર્મદા નહેર બંધ કરી દઈશું. નર્મદા ડેમ આપણો છે, નર્મદામાં પેદા થતી વીજળી આપણી છે, નર્મદાનું પાણી પણ આપણું છે, અહીં ખાણોમાંથી નીકળતો કોલસો પણ આપણો છે અને લિગ્નાઈટ પણ આપણું છે. આ તમામ હકો અમે તમને અપાવવા માટે તૈયાર છીએ, હવે તમે અમારો સાથ આપો તો આપણે આપણા હક્કોને લઈને જ રહીશું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર