ખેલ મહાકુંભ રમતવીરોને પ્રોત્સાહક તકો આપતું શ્રેષ્ઠ માધ્યમ : દોડવીર અજીત હેરભા
આલેખન – ડો. દિવ્યા ત્રિવેદી
સામાન્ય જીવનશૈલીમાં હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતનું આગવું મહત્વ છે. આજના મોબાઇલ યુગમાં અનેક બાળકો જ્યારે રમતગમતના મેદાનથી દૂર અને રમતોથી વિમુખ થઈ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા રમતોને પ્રોત્સાહન અને બાળકોના વિકાસ માટેની ઉત્તમ તકોનું નિર્માણ કરતું પ્લેટફોર્મ બન્યું છે ખેલ મહાકુંભ.
૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતમાં ખેલકૂદને પ્રોત્સાહન મળે અને રમતવીરોને શાળાથી લઈ તમામ સ્તરે રમત માટે એક ખાસ પ્લેટફોર્મ ઉભું થાય તેવી વ્યવસ્થા સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ખેલ મહાકુંભએ રમતવીરોનો ઉત્સવ બન્યો છે. જેના આયોજનને બિરદાવતા રાજકોટના દોડવીર શ્રી અજીત હેરભાએ જણાવ્યું છે કે,”ખેલ મહાકુંભ એ અનેક ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ સાબિત થયું છે. ૨૦૧૯થી હું આ આયોજનનો ભાગ રહ્યો છું. મારી મૂળ રમત એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટર છે એટલે કે ઝડપી દોડ જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડમાં મેં અનેક વાર ભાગ લીધા છે.

દોડવીર અજિતે ઉમેર્યું હતું કે, રાજ્ય સ્તર સુધીની આ સ્પર્ધાઓમાં હું રાજ્યકક્ષાએ રમતમાં ક્રમાંક પ્રાપ્ત કરીને આવ્યો છું. તથા રાષ્ટ્રીય સ્તરે પણ અનેકવાર રમતનો ભાગ રહી ક્રમાંક પ્રાપ્ત કરી ચૂક્યો છું. ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામથી ખૂબ સારો ઉત્સાહ રહે છે. વળી ઝોન કક્ષાએથી જ ઇનામ વિતરિત થતા હોવાથી નાનામાં નાના સ્તરે રમત સાથે જોડાયેલ ખેલાડીને પણ પ્રોત્સાહન મળે છે. સરકાર દ્વારા ખેલાડીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવે છે ત્યારે આજના સમયમાં મોબાઇલમાં જ રચ્યાં રહેતા એવા નાજુક બાળકોને પણ ખેલ મહાકુંભ દ્વારા રમતગમતમાં રસ કેળવી મજબૂત બનાવી શકાશે. બાળકોને રમત ગમત ક્ષેત્રે વધુ આગળ વધારી શકવા માટે જ આગામી ૨૦૩૬માં ગુજરાતમાં ઓલમ્પિક પણ યોજાશે. રમત ગમત દ્વારા તેમની તંદુરસ્તી પણ વધુ સારી થશે. આમ, ખેલ મહાકુંભએ નવી જનરેશનને રમત સાથે ફિટનેસનો મંત્ર આપી રહ્યું છે.
હાલમાં અજીત હેરભા રાષ્ટ્રીય રમતોમાં ૨૦૦ તેમજ ૪૦૦ મીટરની દોડમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે, તેઓએ ૧૦.૫૬ સેકન્ડના રેકોર્ડ સાથે ૧૦૦ મીટર દોડ રમી છે, હાલમાં જ તેઓએ રાજકોટમાં યોજાયેલી નાઈટ મેરેથોનમાં પણ ભાગ લીધો હતો અને ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ખેલાડી સાથે જ તેઓ અનેક બાળકોને એથલેટિક્સમાં દોડનું કોચિંગ પણ આપે છે. અજીત હેરભા ખેલ મહાકુંભ અને અન્ય ઈવેન્ટમાં પોતાના સારા પ્રદર્શન અંગે રમત પ્રત્યે લગાવ અને તેના માટેના ડેડીકેશન સાથેની સતત તાલીમને શ્રેય આપે છે અને ખેલ મહાકુંભને ખેલાડીઓને પ્રોત્સાહક તકો આપતું શ્રેષ્ઠ માધ્યમ જણાવે છે.

