સુરત એપીએમસીમાંથી 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયું છે, જેનો એપીએમસીએ નાશ કર્યો હતો. આ ચાઇનીઝ લસણ ચાઈનાથી ઈરાન, ઈરાનથી દરિયાઈ માર્ગે મુંબઈ પોર્ટ અને મુંબઈથી સુરત આવ્યું હતું.
ચાઈનીઝ લસણ ખાવાથી કેન્સર થવાનું જોખમ હોવાથી વર્ષ 2014માં FSSAIએ (ભારત સરકારે) ચાઈનીઝ લસણના આયાત-વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ ચાઇનીઝ લસણ માટે કોઈ SOP ન હોવાને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. માત્ર જિલ્લા રજિસ્ટ્રારને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. એપીએમસી સિવાય અન્ય માર્કેટોમાં પણ ચાઇનીઝ લસણ વેચાઈ રહ્યું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.
સફેદ બનાવવા ક્લોરિનથી ધોવાય છે, ફૂગ ન લાગે તે માટે કેમિકલ નંખાય છે ચાઈનીઝ લસણમાં કેન્સરજનક કેમિકલ મળ્યાં હતાં, સફેદ દેખાડવા ક્લોરિન નાંખી ધોવાય છે. ફૂગ ન લાગે એ માટે મિથાઈલ બ્રોમાઈડનો ઉપયોગ થાય છે. ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મૂકી ગાઈડલાઈન જાહેર કરી છે.

