Gujarat

36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, કોઈ બીજા ડૉક્ટરની ડિગ્રી પર તો કોઈ બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા મળ્યા

સુરત શહેરમાં એક પછી એક બોગસ ડૉક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન 64 જેટલાં સ્થળોએ તપાસ કરતાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા, જે કાં તો બીજા ડૉક્ટરની ડિગ્રી પર કાં તો બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેર પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડાં કરી આ ઝોલાછાપ ડૉક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

હજુ માત્ર ત્રણ દિવસ પહેલાં જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ચાર બોગસ તથા સચિનમાંથી ત્રણ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.