Gujarat

ગિફ્ટ સિટીમાં બોલિવૂડ સિંગરે રોમેન્ટિક ગીતોથી મચાવી ધૂમ, હજારોની મેદની ઊમટી

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં રવિવારે (12 જાન્યુઆરી) રાત્રે બોલિવૂડના મશહૂર પ્લેબેક સિંગર અરિજિત સિંહે તેના અદભુત આવાજથી હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ મેગા કૉન્સર્ટ માટે છેલ્લા ઘણા દિવસોથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટીમાં યોજાયેલા કૉન્સર્ટ માટે છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. હજારો ચાહકોની સુરક્ષાને લઈ જડબેસલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉપરાંત અહીં કૉન્સર્ટ સુધી ચાહકોને લાવવા-લઈ જવા માટે ફેરી સર્વિસ પણ શરૂ કરાઈ હતી. આ ઉપરાંત મોટેરાથી ગિફ્ટ સિટી સુધીના રૂટની મેટ્રો રેલનો પણ સમય વધારી દેવામાં આવ્યો હતો.

અરિજિત સિંહે તાજેતરમાં 30 નવેમ્બરે બેંગલુરુ અને 7 ડિસેમ્બરે હૈદરાબાદમાં સફળ કૉન્સર્ટ કર્યા બાદ ગાંધીનગરમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. આગામી દિવસોમાં તેઓ દેશનાં વિવિધ શહેરોમાં કૉન્સર્ટ કરવાના છે, જેમાં 25 જાન્યુઆરીએ જયપુર, 2 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ, 16 ફેબ્રુઆરીએ ચંડીગઢ, 23 માર્ચે મુંબઈ, 2 માર્ચે કટક અને 5 એપ્રિલે ઇન્દોરનો સમાવેશ થાય છે. વધુમાં, 9 મેના રોજ અબુ ધાબીમાં આંતરરાષ્ટ્રીય કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.