બારડોલી તાલુકામાં કેરળના ભક્તો દ્વારા ભગવાન અયપ્પાના 31મા વાર્ષિક પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં 400થી વધુ કેરળવાસી ભક્તે પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શોભાયાત્રાનું આકર્ષણ ઐરાવત (હાથી)ની સાથે તૈયમ અને તાલાપોલી (પૂજાની થાળી) રહ્યા હતા. વિશેષ લાઇટિંગ અને પરંપરાગત વાદ્યોના સૂરો વચ્ચે ભક્તોએ ભગવાન અયપ્પાના વિવિધ સ્વરૂપો ધારણ કર્યા હતા. દર વર્ષે જાન્યુઆરી માસમાં યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં કેરળ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે.
રાત્રે ગોવિંદ આશ્રમ ખાતે પહોંચેલી શોભાયાત્રામાં ભજન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બારડોલીના સ્થાનિક લોકોએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉમળકાભેર ભાગ લીધો હતો.
કેરળની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતો આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો.