Gujarat

ગુજરાતમાં PMAYગ્રામીણનું એક ઘર બાંધવામાં સરેરાશ 311 દિવસનો સમય લાગ્યો

એપ્રિલ 2016માં લોન્ચ થયેલી પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.25 લાખ ઘરોને મંજૂર આપવામાં આવી છે જે પૈકી 5.53 લાખ (67 ટકા) ઘરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં એક ઘર બાંધવામાં સરેરાશ 311 દિવસનો સમય લાગે છે, જે દેશના સરેરાશ 299 દિવસથી વધુ છે.

રાજ્યમાં અરવલ્લી જિલ્લામાં એક મકાન બાંધતા સરેરાશ 378 દિવસ, સાબરકાંઠામાં 341 દિવસ અને સુરતમાં 336 દિવસની સરેરાશ છે. સૌથી ઝડપી કામકાજ ગીર સોમનાથમાં જોવા મળ્યું છે જ્યાં સરેરાશ 201 દિવસમાં એક ઘરનું કામ પૂર્ણ થાય છે. કેન્દ્ર સરકારનું માર્ચ 2029 સુધીમાં દેશમાં કુલ 4.95 ઘરો બનાવવાનું લક્ષ્યાંક છે.

દેશમાં 3.22 કરોડ ગ્રામીણ આવાસોની મંજૂરી અપાઈ છે જે પૈકી 2.65 કરોડ ઘરોનું (82 ટકા) બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. દેશમાં એક ઘર બાંધતા સરેરાશ 299 દિવસ લાગે છે.

મોટા રાજ્યોમાં સૌથી ઝડપી કામગીરી 195 એવરેજ દિવસ સાથે ઉત્તર પ્રદેશની છે. મધ્ય પ્રદેશમાં 265, ઉત્તરાખંડમાં 223, પ. બંગાળમાં 276 દિવસની સરેરાશ છે. જ્યારે સૌથી ધીમું છત્તીસગઢમાં 372 દિવસ છે.