ભારતીય સંસ્કૃતિની કૃષિલક્ષી કામગીરી નિહાળી રાજીપા સાથે આશીર્વાદ પણ આપ્યા
ગોળ બનાવવાની પધ્ધતિ વિશે જાણકારી પણ મેળવી
ગોળ બનાવવાની આ પધ્ધતિ પર હવે વિદ્યાર્થીઓ પણ થોડું નિદર્શન અભ્યાસ કરતાં જોવા મળે છે.

સાવરકુંડલા શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા કરજાળા ગામે આ ગામનાં ભૂમિપુત્ર અને પ્રગતિશીલ અને ધાર્મિક સંસ્કારો સભર જયંતીભાઈ ચાંદગઢીયા આજના હાઈબ્રીડ યુગમાં શક્ય હોય તેટલા પ્રકૃતિનાં સાંનિધ્યમાં રહીને પોતાના દસ વિઘાના ખેતરમાં છેલ્લા ચાલીસ વર્ષથી દેશી શેરડી વાવીને દેશી ગોળનું ઉત્પાદન કરે છે. ખાસકરીને લોકો જ્યારે ખાંડનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભારતીય સંસ્કૃતિની અલગ પહેચાન સમા દેશી ગોળ ઉત્પાદન ગુણવત્તાયુકત ખાદ્ય સામગ્રી તરીકે લોકો સુધી વધુમાં વધુ પહોંચે એ માટે ભરપૂર પ્રયાસ પણ કરતાં જોવા મળે છે.

આમ તો પોતે તેમના ખેતરેથી જ ગોળનું વિતરણ કરે છે પરંતુ જરૂર જણાય તો બહારગામ ઓર્ડર પર પણ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલે છે. તેમનું એક જ લક્ષ છે કે લોકો વધુમાં વધુ ગોળનો ઉપયોગ અને એ પણ દેશી બનાવટના ગોળનો ઉપયોગ કરે. તેમની આવી સુંદર કામગીરી નિહાળવા અહીં આવતાં તમામ ગ્રાહકો અને મુલાકાતીઓને જયંતીભાઈ પ્રેમથી આવકારે છે અને તેની કાઠિયાવાડી પરંપરા મુજબ આતિથ્ય સત્કાર પણ કરે છે.

તેની વાડીએ આવતા તમામને શેરડીનો મીઠો મધ અને તાજો રસ પણ હેતથી પીવરાવે છે.સ્થાનિક સત્સંગ મંડળની મહિલાઓ પણ ઘણીવખત જયંતીભાઈના ખેતરની મુલાકાત લે છે અને સત્સંગ જેવી ભગવદીય કાર્ય પણ અહીં ખેતરની ભૂમિ પર થાય છે.ગતરોજ તેમના ખેતરે સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબે પણ મુલાકાત લીધી અને તેની કામગીરી ખુદ નિહાળીને બિરદાવી હતી.

આજના યુગમાં ભારતીય સંસ્કૃતિની ઢબ મુજબ કૃષિકાર્ય તરફનો ઝોંક વધુમાં વધુ વધે એ માટે ખેડૂત વર્ગ દ્વારા પણ પર્યાપ્ત પ્રયાસ કરવો પડશે. અને લોકોએ પણ આવી પ્રવૃત્તિમાં પરોક્ષ સહયોગ આપવો પડશે.
બિપીન પાંધી સાવરકુંડલા

