પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર પર રેપ અને હત્યાના આરોપી સંજય રોયને સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સંજય રોયનું મોત થાય ત્યાં સુધી તેને કેદ રાખવામાં આવશે. સાથે જ પીડિતાના પરિવારને ૫૦ હજાર ચુકવવા સંજયને અને ૧૭ લાખ રૂપિયા ચુકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જજે કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં ના આવતો હોવાથી ફાંસી નહીં પણ મૃત્યુ સુધી કેદ રાખવાની સજા આપવામાં આવી છે.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટર પર રેપ કરવામાં આવ્યો હતો જે બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા અને ઘટના સ્થળેથી મળેલા બ્લૂટૂથના આધારે આરોપી સંજય રોયની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇને સોંપવામાં આવી હતી. સીબીઆઇએ તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી દીધી હતા, કોલકાતાની સીબીઆઇ કોર્ટે આ મામલે શનિવારે સંજય રોયને દોષિત ઠેરવ્યો હતો જ્યારે સોમવારે સજા સંભળાવી હતી.
એડિશનલ સેશન્સ જજ અનિર્બાન દાસે સંજય રોયને વીવીધ કલમો હેઠળ દોષિત ઠેરવીને અંતે આજીવન કેદની સજા ફટકારી છે. આ સજા સંજય જીવિત રહે ત્યાં સુધી તેણે ભોગવવાની રહેશે. સીબીઆઇએ આ મામલે ફાંસીની સજાની માગણી કરી હતી, જ્યારે બચાવપક્ષ તરફથી કેદની સજાની માગ કરાઇ હતી. જાેકે મામલો રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં ના આવતો હોવાથી આજીવન કેદની સજા આપવામાં આવે છે તેમ જજે કહ્યું હતું. સંજય રોયને બીએનએસની કલમ ૬૪, ૬૬ અને હેઠળ રેપ અને હત્યાનો દોષિત ઠેરવાયો હતો. તમામ કલમો હેઠળ આજીવન કેદ અને સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડની સજા અપાઇ છે.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પીડિતાનું મોત તે કામના સ્થળે સેવા આપી રહી હતી ત્યારે થયું હતું જેને પગલે રાજ્ય સરકારની ફરજ છે કે તે પીડિતાના પરિવારને ૧૭ લાખ રૂપિયા આપે, જેમાં રેપ બદલ સાત લાખ અને હત્યા માટે ૧૦ લાખ આપવા આદેશ કરાયો છે. બીજી તરફ મૃતક ડોક્ટરની માતાએ કહ્યું હતું કે આ ચુકાદાથી અમને આઘાત લાગ્યો છે, આટલા જઘન્ય અપરાધને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં સામેલ કેમ ના કરી શકાય.
જ્યારે પિતાએ કહ્યું હતું કે અમને કોઇ પણ પ્રકારનું વળતર નથી જાેઇતું. જ્યાં સુધી અન્ય અપરાધીઓ નહીં ઝડપાય ત્યાં સુધી અમે લડાઇ શરૂ રાખીશું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ કોર્ટના ચુકાદા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જાે આ કેસ કોલકાતા પોલીસને સોંપવામાં આવ્યો હોત તો જરૂર ફાંસીની સજા મળી હોત. જ્યારે ભાજપના આઇટી વિભાગના હેડ અમિત માલવિયાએ કહ્યું હતું કે તપાસ એજન્સીઓએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને કોલકાતાના પોલીસ કમિશનરની સામે પણ તપાસ કરવી જાેઇએ. આજીવન કેદની સજા પુરતી નથી, આ મામલે અપીલ થવી જાેઇએ.

