Gujarat

52 હજાર ચો.મી.માં ગુજરાતનાં પૌરાણિક સ્થળોની પ્રતિકૃતિઓ કચરામાંથી બનાવાશે, GMCના ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નાં રૂ. 1744.21 કરોડનાં ડ્રાફ્ટ બજેટમાં વેસ્ટ ટુ વન્ડર પાર્કની જાહેરાત કરી છે.

સરગાસણ-ઉવારસદ-તારાપુર-અડાલજ વિસ્તારમાં આવેલા ટીપી-29નાં ફાઈનલ પ્લોટ-468માં 52 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આ અનોખો પાર્ક વિકસાવવામાં આવશે. આ પાર્કની ખાસિયત એ છે કે અહીં કચરામાંથી ગુજરાતનાં પ્રસિદ્ધ પૌરાણિક સ્થળોની પ્રતિકૃતિઓ બનાવવામાં આવશે.

પાર્કમાં મોઢેરાનું સૂર્યમંદિર, સોમનાથ મંદિર, પોળોના જંગલનું આદિવાસી મંદિર, દ્વારકાધીશ મંદિર અને રુદ્ર મહાલય મંદિર જેવા ઐતિહાસિક સ્થળોની પ્રતિકૃતિઓ જોવા મળશે. દિલ્હી અને ઉત્તર પ્રદેશની જેમ ગાંધીનગરમાં પણ આ પ્રકારનો અનોખો પાર્ક વિકસાવવામાં આવશે.

મહાનગરપાલિકાનાં આયોજન મુજબ, આ પાર્ક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જ્યાં સેલ્ફી પોઈન્ટ્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિશેષ રૂપે, વીડિયોગ્રાફી દ્વારા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરવામાં આવશે.

આ પાર્ક માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં પરંતુ બહારથી આવતા પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જ્યાં તેઓ એક જ સ્થળે ગુજરાતનાં વિવિધ ઐતિહાસિક સ્થળોની ઝલક જોઈ શકશે.