Gujarat

શહેરના સૌથી વ્યસ્ત 25 મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિકના અવરજવરથી લઈને તમામ બાબતનો સર્વે કરી રિપોર્ટ તૈયાર થશે

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ વ્યસ્ત એવા મુખ્ય 25 જેટલા ટ્રાફિક જંકશનનો એરિયલ ડ્રોન સર્વે કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યાની વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી માટે રોડ ઈન્વેન્ટરી સર્વે અને ફિઝીકલ સર્વે કરાશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં હયાત રોડ નેટવર્કની વિગતો, નકશા, ટ્રાફિક જંક્શનની સંખ્યા અને માહિતી, માસ્ટર પ્લાન, લેન્ડ યુઝ પ્લાન, દરેક જંક્શન પર રોડ કોરિડોર, વાહનોની સંખ્યા, વસ્તી સોશિયો-ઈકોનોમિક પેરામીટર્સ, વગેરે ઈનપુટ મેળવાશે. ભવિષ્યમાં ટ્રાફિક વધવાની શક્યતાને ધ્યાનમાં લઈને પ્લાન તૈયાર કરાશે.

25 જંકશનો પર ટ્રાફિકનો સર્વે કરવામાં આવશે શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 25 જંકશનો પર ટ્રાફિકનો સર્વે કરવામાં આવશે. જેનો કોમ્પ્રીહેન્સિવ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

આ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવા સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (CRRI)ને 65 લાખના ખર્ચે કામગીરી સોંપવા માટે આવતીકાલે શુક્રવારે યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.