Gujarat

જામનગર LCBએ ત્રણ શખસની ધરપકડ કરી, 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-2માં આવેલા ‘હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’માં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ગત તા.22 જાન્યુઆરીની રાત્રે થયેલી આ ચોરીમાં આરોપીઓએ કારખાના અને ઓફિસના શટર તોડીને 600 કિલો બ્રાસ, રોકડ રકમ અને સીસીટીવી DVR સહિત કુલ રૂ.3,55,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, LCBના PI વી.એમ. લગારીયાની ટીમે તપાસ હાથ ધરી હતી.

બાતમીના આધારે પોલીસે હડમતિયા ગામના ત્રણ શખસ – કેવિન સંધાણી (29), જીવણ ધાવતર (23) અને પુના ધાવતર (22)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 509 કિલો બ્રાસનો માલ (રૂ.2,70,575), રોકડ રૂ.22,000, એક મોટરસાયકલ (રૂ.30,000) અને ગ્રાઈન્ડર મશીન (રૂ.2,000) સહિત કુલ રૂ.3,24,575નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીઓએ ગ્રાઈન્ડર મશીનથી શટરના તાળા કાપીને ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.