ગાંધીનગર જિલ્લા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે એક મહિન્દ્રા પીકઅપ ડાલામાંથી માછલીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના મુજબ ચીલોડા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તેમને બાતમી મળી હતી કે હિંમતનગરથી ચિલોડા તરફ નેશનલ હાઇવે-48 પર એક સફેદ બોલેરો પીકઅપમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.
પોલીસે વાહનને રોકીને તપાસ કરતા ચાલક કનૈયાલાલ ગોપલ ગુર્જર (રહે. ભીલવાડા, રાજસ્થાન) મળી આવ્યો હતો. ગાડીની તલાશી લેતા થર્મોકોલના 20 બોક્સમાં મૃત માછલીઓની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 53 હજારની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો તથા કુલ રૂ. 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મૃત માછલીઓનો નિકાલ રોડની સાઈડમાં કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી કનૈયાલાલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે દારૂની હેરાફેરીના આ નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

