છોટાઉદેપુર સબ જેલ ખાતે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને જેલ સલાહકાર સમિતી, જેલ મુલાકાતી બોર્ડ અને કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ તથા મીટીંગમાં હાજર રહેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોને આવકારી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર દ્વારા કેદીઓને આપવામાં આવતી આરોગ્યની સુવિધા બાબતે તથા કેદી કલ્યાણને લગતા મુદાઓ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે નવી નિર્માણ પામી રહેલ જનરલ હોસ્પિટલમાં કેદી વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ છોટાઉદેપુર જીલ્લાના એકલબારામાં નવીન નિર્માણ પામનાર જીલ્લા જેલના બાંધકામની કામગીરી સત્વરે શરૂ કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપવા બાબતે તથા અભણ અને ઓછું ભણેલા કેદીઓને અક્ષરજ્ઞાન આપવા અંગેની જેલ અધિક્ષકની રજુઆત બાબતે પણ મીટીંગમાં હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના મુદાઓની ચર્ચા પૂર્ણ થયા બાદ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કમિટીના તમામ સભ્યોએ મહિલા વિભાગમાં મુલાકાત લઇ મહિલા કેદીઓની રજુઆત સાંભળી હતી.
ત્યારબાદ જેલ રસોડાનો રાઉન્ડ લઇ કેદીઓને આપવામાં આવતા ખોરાકની ચકાસણી કરી ખોરાકની ગુણવતા અને કેદીઓને દરરોજ આપવામાં આવતા મેનું વિશેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત જેલની લાયબ્રેરીમાં કેદીઓ દ્રારા કરવામાં આવતાં વાંચન અંગેની જાણકારી પણ લીઘી હતી. આ ઉપરાંત કેદી બેરકોમાં રાઉન્ડ લઇ બેરેકોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પુરુષ કેદીઓની રજુઆત સાંભળી કેદીઓને જેલમાં ચાલતી કલ્યાણકારી પ્રવૃત્તિમાં ભાગ લેવા અને જેલ ઓથોરીટીને જરૂરી સહકાર આપવા સુચન કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ દ્વારા મફત કાનુની સહાય બાબતે તથા ફરીયાદ નિવારણ બાબતે કેદીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્રારા કેદીઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓ બાબતે કરવામાં આવેલ પ્રશ્ન અંગે જેલ અધિક્ષક દ્રારા કેદીઓને આપવામાં આવતી ટીવીની સુવિધા, રમત-ગમતની સુવિધા તથા અન્ય સવિધાઓ બાબતે કમિટીને માહિતગાર કરવામાં આવ્યા હતા. સબ જેલમાં યોજાયેલ મીટીંગમાં કલેક્ટર અને જીલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલીયા, જીલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ, જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ, જનરલ હોસ્પિટલના અધિક્ષક ડો.કેવલ મોદી, સમાજ કલ્યાણ અધિકારી એસ.જે. ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી જે.કે.પરમાર, નગરપાલિકાના પ્રતિનિધી, સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ગાબડીયાના વડા રાહુલ જોષી, ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્ય મહેશ સેલર, સામાજીક કાર્યકર વૈશાલીબેન બારીયા, સામાજીક કાર્યકર વર્ષાબેન રોહીત, સામાજીક કાર્યકર સુરેશભાઇ સાધુ વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર