Gujarat

મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા

ચલો.. કુંભ ચલે..

મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા

મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને  યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી

શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવા આવી છે. જે અન્વયે તા. ૪ ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્ય સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. મેયરશ્રી તથા ધારાસભ્યોશ્રીએ બસમાં મુસાફરોને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને યાત્રા આરામદાયક અને સફળ રહે, તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જે. બી. કલોતરા અને વહીવટી અધિકારીશ્રી ધવલભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટ બસની સેવાઓ

રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટની મુસાફરી માટે કુલ ૬ બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે ૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૭ કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે ૧ કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે ૨ કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવી છે.

યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યક્તિદીઠ પેકેજ ભાડું રૂ. ૮,૮૦૦ છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી કરી શકાશે.

મુસાફરોના પ્રતિભાવો

ગુજરાત સરકાર બસ સેવાનું આયોજન કરીને પુણ્ય કાર્યમાં સહભાગી થઈ રહી છે, ખૂબ ખૂબ આભાર : લાભાર્થીશ્રી શીતલબેન જોશી

મહાકુંભ મેળો શરુ થયો ત્યારથી તેનો લાભ લેવાની ખૂબ ઈચ્છા હતી. પરંતુ કઈ રીતે ત્યાં પહોંચવું, તેની ચિંતા હતી. તેવામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પ્રયાગરાજ જવા સરસ મજાની બસ સેવા ફાળવતા હાશકારો થયો. જેથી હવે આ બસમાં પતિ શ્રી ચેતનભાઈ, દીકરી શ્રી જાનવીબેન અને સાસુ શ્રી કિરણબેન, એમ પરિજનો સાથે મહાકુંભ મેળામાં જઈ રહી છું, તે વાતનો આનંદ છે. ગુજરાત સરકાર બસ સેવાનું આયોજન કરીને પુણ્ય કાર્યમાં સહભાગી થઈ રહી છે, ખૂબ ખૂબ આભાર.

આ બસ સેવાનો લાભ લઈને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતાની અનુભૂતિ કરી શકીશું : લાભાર્થીશ્રી મહિપાલસિંહ ગોહિલ

અનેક ભક્તો ૧૪૪ વર્ષે યોજાતા મહાકુંભ મેળામાં જવા તત્પર છે. લાખો લોકોની ભીડના લીધે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. ત્યારે સરકારે મેળામાં આવવા-જવાની સગવડતા કરી આપી છે. રાજકોટથી પ્રથમ બસમાં મને માતા સાથે પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાનો મોકો મળ્યો છે. આ બસ સેવાનો લાભ લઈને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતાની અનુભૂતિ કરી શકીશું. જેના બદલ અમે ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.