યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃતિધામ ટીમ દ્વારા 100 વડીલો માટે નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે બે બસ દ્વારા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રા દરમિયાન વડીલોને બારડોલી સ્થિત રામદેવજી અલખધામ, સાંકરી સ્વામિનારાયણ મંદિર અને ગર્લતેશ્વર મંદિરના 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવ્યા હતા.
બપોરે સંસ્કૃતિધામ ખાતે ભોજન બાદ પારિવારિક જનરેશન ગેપ વિષય પર હૃદયસ્પર્શી સેમિનાર યોજાયો હતો, જેમાં વડીલો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધૂન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં FOSTTAના પ્રમુખ કૈલાસજી હાકીમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શૈલેષભાઇ બાફના, જીગ્નેશભાઈ ભીકડીયા, દીપકભાઈ ગેલાણી સહિત અનેક ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓએ યાત્રાની મુલાકાત લીધી હતી.
કૈલાસજી હાકીમે જણાવ્યું હતું કે, સંસ્કૃતિધામ દક્ષિણ ગુજરાતમાં વડીલો માટે સ્વર્ગ સમાન બની રહેશે. યાત્રાની એક બસનું સૌજન્ય વિનુભાઈ પરષોત્તમભાઇ કાછડિયા તરફથી ગુરુ આશ્રમ બગદાણાના શ્રી બજરંગદાસ બાપાના સેવક મનજીદાદાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપવામાં આવ્યું હતું, જ્યારે બીજી બસનું સૌજન્ય FOSTTAના પ્રમુખ કૈલાસજી હાકીમ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોની વડીલો પ્રત્યેની સેવાથી પ્રભાવિત થઈને યાત્રાળુઓએ તેમને આશીર્વાદ આપ્યા હતા.