ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલાં જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચા છે.
અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપરકોપ કહેવાય છે અને તેઓ ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે.
છેલ્લા ઘણા સમયથી તેઓ સાઈટ પોસ્ટિંગમાં હતા અને તેમને મહત્ત્વની પોસ્ટિંગ મળશે તેવી અટકળો પોલીસબેડામાં હતી, ત્યારે તેમણે અચાનક રાજીનામું આપી દેતા તમામ અટકળોનો અંત આવ્યો છે. હવે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના બીજા IPS અધિકારી હશે જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે.

