પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદ નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને ‘શૂન્ય ઘૂસણખોરી’ના લક્ષ્ય સાથે આતંકવાદ સામેની લડાઈને વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગઈકાલે પણ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલય અને સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઇકોસિસ્ટમ નોંધપાત્ર રીતે નબળી પડી છે. ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને ‘શૂન્ય ઘૂસણખોરી’ના લક્ષ્યને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામેની લડાઈને આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીનાં અભિગમ સાથે આતંકી કૃત્યો પર વધુ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓના અસ્તિત્વને ઉખાડી ફેંકવાનું આપણું લક્ષ્ય હોવું જાેઈએ.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નાર્કો નેટવર્ક ઘૂસણખોરો અને આતંકવાદીઓને તેમની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સહાય પૂરી પાડે છે. તેમણે કહ્યું કે માદક દ્રવ્યોના વેપારની આવકમાંથી ટેરર ફંડિંગ સામે સતર્કતા અને કઠોરતાથી ત્વરિત કાર્યવાહી કરવાની જરૂર છે.
શ્રી અમિત શાહે નવા ફોજદારી કાયદાઓના સમયસર અમલીકરણને ધ્યાનમાં રાખીને એજન્સીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવા સૂચના આપી હતી.
શ્રી અમિત શાહે આતંકવાદ મુક્ત જમ્મુ અને કાશ્મીરનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આતંકવાદ સામે મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સની નીતિ’ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે તાલમેલથી કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિદ્રશ્યના તમામ માપદંડોમાં નોંધપાત્ર સુધારા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.