Gujarat

છે ને નવાઈની વાત.. ગૃહિણીના જીવનમાં શારીરિક રીતે તો ખરાં જ.. સાથેસાથે માનસિક અને આર્થિક રીતે પણ ઉપયોગી બનતું મિલેટ

મિલેટ નૂડલ્સપાસ્તાકૂકીઝકોકોનટ પોપચપાટી-પૂરીઢોસા મિક્સઉપમા રવા જેવી પ્રોડક્ટ્સ વેચીને મહિને રૂ. ૧.૫ લાખની કમાણી કરીએ છીએ : શ્રી કિરણબેન પટોળીયા

રોજિંદા આહારમાં શ્રીઅન્નનો સમાવેશ કરવાથી ત્વચાનો રોગ દૂર થયો : ગત વર્ષે વડોદરામાં મિલેટ એક્સ્પોથી ‘ઓર્ગાબ્લીસ’ નામથી વ્યવસાયનો આરંભ કર્યો : આ વર્ષે વડોદરા ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરતમાં સ્ટોલ

રાજકોટ, તા. ૯ ફેબ્રુઆરી – વર્તમાનમાં બાળકો અને યુવાનોમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી રહ્યું છે, મોટેરાંઓમાં પણ આવા ખાદ્યપદાર્થોનું સેવન વધી રહ્યું છે. ત્યારે એક ગૃહિણીના જીવનમાં શારીરિક રીતે તો ખરાં જ, પરંતુ માનસિક અને આર્થિક રીતે પણ મિલેટ ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. રાજકોટ શહેરમાં નાના મૌવા ચોક નજીક મહાનગરપાલિકાના મેદાન ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ખાતે સ્ટોલધારક એવા વડોદરામાં રહેતા શ્રી કિરણબેન પટોળીયાની વાત માત્ર એક વ્યવસાયિક યાત્રા નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવન જીવવા માટે થયેલા સંઘર્ષની કહાણી છે.

 

શ્રી કિરણબેન પટોળીયા એ રોજિંદા આહારમાં શ્રીઅન્નનો સમાવેશ કરીને ત્વચાના રોગમાંથી છુટકારો મેળવ્યો હતો. આથી, તેઓને અન્યોના જીવનને પણ શ્રીઅન્નના માધ્યમથી નિરોગી બનાવવાની પ્રેરણા મળી. ધીરે-ધીરે મિલેટ પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કર્યું. ત્યારબાદ ગત વર્ષે વડોદરામાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત મિલેટ એક્સ્પોથી ‘ઓર્ગાબ્લીસ’ નામથી વ્યવસાયનો આરંભ કર્યો. જેનાથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા. આથી, તેઓ શ્રીઅન્નને આશીર્વાદ સમાન માને છે.

શ્રી કિરણબેન કહે છે કે, મને ત્વચા પર ફોલ્લીઓ થવાનો રોગ હતો. કંઈ વધારે ખવાઈ જાય તો બીમારી વકરતી હતી. દવાઓથી આ સમસ્યાનો કાયમી ઇલાજ થતો ન હતો. ઊલટાનું સ્ટીરોઈડની દવાઓની સાઈડ ઈફેક્ટથી વાળ ખરવા, આઇ ડ્રાયનેસ, એસીડિટી, સાંધાનો દુઃખાવો જેવી તકલીફો થવા લાગી. આથી, હું ડિપ્રેશનમાં રહેવા લાગી. માઇક્રોબાયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હોવાથી એટલી ખાતરી હતી કે ફૂડના લીધે થતાં રોગની સારવાર પણ ફૂડથી જ થઈ શકશે. એટલે ન્યુટ્રિશિયન ડાયટનો છ માસનો ઓનલાઇન કોર્ષ કર્યો. વર્ષ ૨૦૨૦થી ભોજનમાં અન્ય અનાજને બદલે જાડા-બરછટ અનાજની વાનગીઓનો સમાવેશ કર્યો. ટૂંક સમયમાં તેનું પરિણામ મળ્યું અને સ્કિન ડીસિઝ સંપૂર્ણ રીતે ક્યોર થઈ ગયો. તેમજ બીમારીની ચિંતા દૂર થતાં માનસિક તાણમાંથી પણ બહાર આવી

શ્રી કિરણબેન વ્યંજનમાં નવીનતા લાવવાનો શોખ ધરાવે છે. તેઓ કહે છે કે રોગમુક્ત થયા બાદ રસોડામાં શ્રીઅન્નથી વિવિધ પ્રકારના વ્યંજનો બનાવવાના પ્રયોગો કર્યા. મેંદા અને ઘઉંના વિકલ્પમાં બાજરો, રાગી, રાજગરો, ચણા, નાગલી, જુવાર, કાંગ, કોદરી જેવા બરછટ-જાડા ધાન્યોમાંથી પરિવારજનો માટે આરોગ્યપ્રદ અને જીભ માટે રસપ્રદ બને એવી વાનગીઓ બનાવી, જે તેઓને ખૂબ પસંદ પડી. એટલું જ નહીં, સોસાયટીના રહેવાસીઓને મિલેટ ફૂડ આપીને તેમની નાની-મોટી શારીરિક તકલીફો દૂર કરી.

લોકોના રોજિંદા આહારમાં શ્રીઅન્નનો ઉપયોગ કરવાથી મળતાં સકારાત્મક પરિણામને જોઈને ઘરેબેઠા બિઝનેસ શરૂ કર્યો. કોઇમ્બતુરથી મિલેટમાંથી બનતા પાસ્તા, નૂડલ્સ વગેરે વડોદરામાં આયાત કરવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ વ્યવસાય જામવા લાગ્યો. હાલ મિલેટ નૂડલ્સ, પાસ્તા, કૂકીઝ, કોકોનટ પોપ, ચપાટી-પૂરી, ઢોસા મિક્સ, ઉપમા રવા જેવી પ્રોડક્ટ્સ વેચીને મહિને રૂ. ૧.૫ લાખની કમાણી કરીએ છીએ. ભવિષ્યમાં મિલેટ બોલ, ચોકોઝ, ક્વિનોઆ પફ, ચિપ્સ, જુવાર સ્ટીક – આ પ્રોડક્ટ્સ લાવવાનો વિચાર છે, તેમ શ્રી કિરણબેનએ ઉમેર્યું હતું.

તેઓ કૃતજ્ઞતાની લાગણી સાથે જણાવે છે કે, ગયા વર્ષે વડોદરામાં આયોજિત મિલેટ મહોત્સવમાં ઉત્તમ પ્રતિસાદ મળતાં આ વર્ષે વડોદરા ઉપરાંત રાજકોટ, અમદાવાદ અને સુરત એમ ચાર શહેરોના મિલેટ મેળામાં જોડાઈ છું. ગુજરાત સરકાર બરછટ અને જાડા ધાન્યના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. જેના પગલે શ્રીઅન્ન આરોગવાથી મારા જેવા અનેક લોકોના આરોગ્ય ઉપર સકારાત્મક અસર જોવા મળી રહી છે, જે બદલ ગુજરાત સરકાર પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.