કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને નિવારવા ડબલ ફોર્ટિફાઇડ મીઠું ખુબ જ ઉપયોગી
રાજ્યના નાગરિકોના સુસ્વાસ્થ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારશ્રીના કુપોષણ અને એનિમિયા રોકવા માટેના એક પ્રયત્નરૂપે ડબલ ફોર્ટીફાઈડ મીઠું “કલ્પતરુ” લોન્ચ કરવામાં આવ્યું છે અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા આ સુધારેલ અને આરોગ્યવર્ધક મીઠું તમામ નાગરીકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. એનિમિયા અને કુપોષણથી જન-જનને રક્ષણ આપતાં આયર્ન, આયોડીનથી સંપન્ન ડબલ ફોર્ટિફાઇડ મીઠાં વિશે થોડી માહિતી મેળવીએ..
ડબલ ફોર્ટિફાઇડ મીઠું:
દરેક વ્યક્તિના ઘરના રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવા મીઠાંનો ઉપયોગ વ્યાપકપણે થતો હોવાથી મીઠું રસોઈ માટે એક મહત્વપૂર્ણ ભાગ છે. મીઠું આપણા શરીરમાં ખુટતાં સુક્ષ્મ દ્રવ્યો પહોંચાડવા માટેનું એક સંપૂર્ણ અને ઉત્તમ વાહક બની શકે તેમ હોવાથી આયોડીન અને આયર્ન જેવા પોષક તત્વો માટે વાહક તરીકે મીઠું પસંદ કરવામાં આવ્યું અને તેમાંથી જન્મ થયો ડબલ ફોર્ટીફાઈડ મીઠાંનો….
ડબલ ફોર્ટીફાઈડ મીઠું એક નવા પ્રકારનું મીઠું છે, જે ભોજનમાં બે સૂક્ષ્મ પોષક તત્વો આયોડિન અને આયર્ન પૂરા પાડે છે. આ મીઠાના ઘટકતત્વો સામાન્ય રીતે આપણા દૈનિક આહારની આયોડિનની જરૂરિયાતના ૧૦૦ ટકા અને આયર્નની જરૂરિયાત ૩૦ થી ૬૦ ટકા પુરી કરે છે. આયર્નની બાકીની જરૂરિયાત લીલાં શાકભાજી, કઠોળ, અન્ય આયર્નયુક્ત ખોરાક ઉપરાંત જરૂર પડ્યે આયર્નની ગોળી કે સિરપ દ્વારા પુરી કરી શકાય છે. આયોડિન અને આયર્નની ઉણપને લીધે થતી સમસ્યાઓ નિવારવા માટે ડબલ ફોર્ટીફાઈડ મીઠું ઉપયોગી છે.
કલ્પતરુ’ના નામે ઓળખાતું ડબલ ફોર્ટિફાઇડ મીઠું ઘરેલું ખોરાકમાં સરળતાથી વાપરી શકાય છે, તે રોજિંદા ખોરાક જેવાં કે શાક, દાળ, રોટી વગેરેમાં મિશ્રિત કરવું આરોગ્ય માટે લાભદાયી છે.
પીએમ-પોષણ યોજના (મિડ-ડે મીલ)માં બાળકો માટે બનાવવામાં આવતા ભોજનમાં પણ આ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. કલ્પતરૂ ડબલ ફોર્ટીફાઇડ મીઠું રાજયના તમામ એન.એફ.એસ.એ. કાર્ડધારકો માટે દરેક વાજબી ભાવની દુકાને ઉપલબ્ધ છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું પરિવારના તમામ સભ્યો ખાઈ શકે છે. પરંતુ, કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાનું જોખમ વધારે હોવાથી, તેમણે આ મીઠું ખાસ વાપરવું જોઈએ.
ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં દેખાતા કાળા કણો મીઠામાં આયર્ન ઉમેરેલું છે તે દર્શાવે છે. પર્યાપ્ત માત્રામાં આયર્ન આપણા શરીરમાં એનિમિયા થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું આપણને આયોડીનની ઉણપને લીધે થતી, સૌથી વધારે જોવા મળતી ગોઇટર (ગળામાં ગાંઠ)ની બિમારીથી બચાવે છે. બાળકોના મગજ અને શરીરના યોગ્ય વિકાસ માટે આયોડીન અને આયર્ન આવશ્યક હોવાથી તેમજ વ્યાપકપણે જોવા મળતાં એનિમિયાથી બચવા માટે સાદું મીઠું વાપરવાની જગ્યાએ ડબલ ફોર્ટીફાઈડ મીઠું વાપરવું વધુ યોગ્ય છે.
આયોડિન બાળકોના સર્વાંગી શારીરિક અને માનસિક વિકાસ તેમજ શરીરના વિવિધ અંગો જેમ કે, હ્રદય, મગજ અને સ્નાયુઓની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બાળકોના મગજનો યોગ્ય વિકાસ થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોવાથી આયોડિન સગર્ભાઓ અને ધાત્રી માતાઓ માટે જરૂરી છે. આયર્ન શરીરની સામાન્ય ઊર્જા અને એકાગ્રતા, પાચનક્રિયાઓ, રોગપ્રતિકારક શક્તિ અને શરીરના તાપમાનનું નિયમન જેવી અનેક મહત્વપૂર્ણ કામગીરીને જાળવવામાં મદદરૂપ થાય છે.
ડબલ ફોર્ટીફાઈડ મીઠામાં આયોડિન ઉપરાંત આયર્ન હોવાથી, રસોઈ બની જાય ત્યાર બાદ જ ડબલ ફોર્ટીફાઈડ મીઠું ઉપરથી ઉમેરવું. ડબલ ફોર્ટીફાઈડ મીઠાને પ્લાસ્ટિક અથવા કાચની ચુસ્ત બરણીમાં ભરી ઉપયોગ વખતે ચમચી વડે જ કાઢવું. ભેજ તેમજ સૂર્યપ્રકાશથી દૂર રાખવું જોઈએ. સીધો સૂર્યપ્રકાશ મીઠામાંના આયોડીનની માત્રા ઘટાડી શકે છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું એના ઉત્પાદનની તારીખથી ૧૨ મહિના સુધી વપરાશ યોગ્ય રહે છે. ડબલ ફોર્ટીફાઈડ મીઠું બનાવવાની પ્રક્રિયા મોંઘી હોય છે, પરંતુ સરકારશ્રીની યોજનાઓ હેઠળ ટોકન ભાવે અથવા તો વિનામૂલ્યે આ મીઠું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠા જેવો જ હોય છે. મીઠામાં આયોડીન અને આયર્ન ઉમેરાવાથી મીઠામાં કે તે મીઠું વાપરી બનાવેલા ભોજનના સ્વાદમાં કોઈ ફેર પડતો નથી.
સંપૂર્ણ પોષણ માટે ડબલ ફોર્ટિફાઇડ મીઠાનો રોજિંદા આહારમા સમાવેશ કરો અને સ્વસ્થ જીવન જીવો…