Gujarat

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઔદ્યોગિક વિકાસ વાપીથી તાપી સુધી મર્યાદિત હતો; વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રોકાણ માટે શ્રેષ્ઠ પસંદગી બન્યું

ગાંધીનગરમાં પાંચજન્ય દ્વારા આયોજિત સાબરમતી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ યાત્રા વિશે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતની વૈશ્વિક સફળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે.

મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટને વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે યાદ અપાવ્યું કે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત રણ, ડુંગર અને અછતગ્રસ્ત વિસ્તારોથી ઓળખાતું હતું. ઔદ્યોગિક વિકાસ માત્ર વાપીથી તાપી સુધી મર્યાદિત હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અને પોલિસી ડ્રીવન સ્ટેટના કારણે આજે ગુજરાત રોકાણ માટે શ્રેષ્ઠ પસંદગી બન્યું છે. રાજ્ય સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં અગ્રેસર છે. ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપ ગુજરાતમાં બનશે.

મુખ્યમંત્રીએ વિકસિત ભારત-વિકસિત ગુજરાત માટે ત્રણ મહત્વપૂર્ણ પાસાઓ પર ભાર મૂક્યો – વરસાદી પાણીનો સંચય, પર્યાવરણ પ્રિય વિકાસ અને સ્વચ્છતા સાથે સર્વાંગી વિકાસ. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.