ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કૂલનાં બાળ વૈજ્ઞાનિકો અને તેમનાં માર્ગદર્શક શિક્ષક દેવેશ પટેલની અભૂતપૂર્વ સિદ્ધિ
શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ કરંજવેરી, ધરમપુર ખાતે ગુજરાત રાજ્યનું ૫૨ મું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની જિલ્લા દીઠ શ્રેષ્ઠ કૃતિઓએ વિવિધ એવાં પાંચ વિભાગોમાં ભાગ લીધો હતો. જે પૈકી વિભાગ ૩ : પ્રાકૃતિક ખેતીમાં સુરત શહેરની પ્રતિષ્ઠિત અને જૂની શૈક્ષણિક સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ટી. એન્ડ ટી. વી. સાર્વજનિક હાઇસ્કૂલ, નાનપુરાની કૃતિ ‘ધરતીપુત્ર’ એ રાષ્ટ્રીય કક્ષા માટે નોમિનેટ થઈ સુરત શહેર તથા સંસ્થાને ગર્વાંકિત કરવાનું કાર્ય કર્યું છે.
આજનાં સમયમાં શાકભાજી, અનાજ, ફળો જેવાં ખાદ્ય પદાર્થોમાં કેમિકલનું પ્રમાણ પૂરગતિએ વધી રહ્યું છે અને જેને કારણે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ લોકોમાં વધી રહી છે. આ સમસ્યાનું મૂળ કારણ ખેતરમાં થતાં રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ, જમીનની ઘટતી જતી ફળદ્રુપતા અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતમાં ઓછી અને અધૂરી સમજ હોય એવું તારણ કાઢવામાં આવ્યું છે. આ સમસ્યાનાં નિવારણ માટે શાળાનાં બાળ વૈજ્ઞાનિકોએ ‘ધરતીપુત્ર પ્રોજેક્ટ’ની રચના કરી. આ કૃતિમાં તેમણે પ્રાકૃતિક ખેતીનાં પાયાનાં પાંચ સિદ્ધાંત ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક અથવા આંતર પાકને અનુસરવા અને તેમાંથી લાંબે ગાળે ખેડૂતને થનાર ફાયદો બતાવવા માટે ક્રોપ બેઈઝ મોડલ અને જંગલ બેઇઝ મોડલની રચના કરી.
આ ઉપરાંત ખેડૂતોને યુરિયા NPK જેવાં રાસાયણિક ખાતરોમાંથી મુક્તિ અપાવવા અને ગૌમુત્ર, ગોબર, પાણી, ખેતરનાં કચરામાંથી કે ઘરનાં રસોડામાંથી મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવાં પ્રાકૃતિક ખાતરો ત્વરિત મળી રહે એ માટે ધરતીપુત્ર ઓટોમેશન પ્લાન્ટ બનાવ્યો. આ પ્રોજેક્ટનું કોડિંગ, વાયરીંગ, પ્લમ્બિંગ અને ઓટોમેશન બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતે જ કરવામાં આવ્યું હતું. આ મશીન નિહાળનાર દર્શકોએ આ મશીનને ‘પ્રાકૃતિક ખાતરનું એટીએમ’ એવી પણ ઉપમા આપી છે. પ્રાકૃતિક ખેતીનાં આ ધરતીપૂત્ર પ્રોજેક્ટને સફળ બનાવવા પાછળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરતનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જનકસિંહ રાઠોડનું માર્ગદર્શન અને એમનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો હતો.
આવી ઉત્કૃષ્ટ સફળતા માટે, રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થવા બદલ સંસ્થા અને શાળા પરિવાર બાળ વૈજ્ઞાનિક પિયુષ માળી, પ્રશાંત શેઠી, અબ્દુલ કાદિર સુબેદાર, લલિત કુમાવત, સોહેલ ખાન, નિખિલ યાદવ તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષક દેવેશ પટેલ, આચાર્ય શાલીન પટેલ, શાળા વહીવટી સમિતિનાં ચેરમેન અજીત શાહ સહિત ધરતીપુત્ર પ્રોજેક્ટની આખી ટીમને અભિનંદન સાથે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ સિલેક્ટ થઈ સુરતનું નામ સમગ્ર દેશમાં ગૌરાંકિત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)