શાહીબાગ પોસ્ટ ઓફિસ સામે આવેલા સ્કાયગ્રીન્સ ફલેટમાં ચાલતા શેર બજારના ડબ્બા ટ્રેડીંગના કારોબારનો પીસીપીએ પર્દાફાશ કર્યો હતો. પિતા – પૂત્ર દ્વારા આ શેર બજારનું ડબ્બા ટ્રેડિંગ કરવા માટે નોકરી રાખવામાં આવેલા કર્ચમારીની પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
સ્કાયગ્રીન્સ ફલેટમાં રહેતા રાજેન્દ્રભાઈ બાબુભાઈ કોઠારી અને તેમનો દીકરો શાનુ ઘરે બેઠા બેઠા જ શેર બજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા હોવાની માહિતી પીસીબી પીઆઈ જે.પી.જાડેજા ને મળી હતી. જેના આધારે તેમણે ટીમ સાથે દરોડો પાડયો હતો.
જો કે પોલીસે દરોડો પાડયો ત્યારે રાજેન્દ્રભાઈ કે શાનુ હાજર ન હતા. જ્યારે તેમણે ડબ્બા ટ્રેડીંગ માટે નોકરી રાખેલા મોતીરામ હરારામ જાટ(39)(રાજસ્થાન) મળી આવ્યો હતો.
તેની પાસેથી કોમ્પ્યુટર, લેપટોપ, 3 મોબાઈલ ફોન તેમજ સંખ્યાબંધ ગ્રાહકોનો ડેટા અને પૈસાના હિસાબ મળી આવ્યા હતા. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી મોતીરામને વધુ તપાસ માટે શાહીબાગ પોલીસને સોંપી દેવાયો હતો. મોતીરામ મૂળ રાજસ્થાનના વતની છે.

