સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. બોલાવ ગામની આર્યમ શાળાની સ્કૂલ બસ ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ખાબકી ગઈ છે.
ઘટના ઓલપાડ-કીમ સ્ટેટ હાઈવે પર ઉમરાચી ગામ નજીક બની હતી. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ બસમાં ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ હાઈવે પરથી નીચે ઊતરી ડ્રેનેજમાં પડી ગઈ.

વિદ્યાર્થીઓની ચીસો સાંભળીને આસપાસના ખેતરોમાં કામ કરતા મજૂરો અને વાહન ચાલકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા. તેમણે બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા.
શાળા સંચાલકોએ આ ગંભીર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાને બદલે અન્ય બસ મંગાવીને સીધા ઘરે મોકલી દીધા. કીમ પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી નહીં.

