ઇલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં એન્ટ્રીનો તખ્તો તૈયાર
ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે ભારતી એરટેલે કર્યો કરાર, ભારતમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા લાવવા માટે કરવામાં આવ્યો છે. તેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જાે કે સ્પેસેક્સને હજી ભારતીય સત્તાવાળાઓ પાસેથી લાઇસન્સ મળવાનું બાકી છે. ભારતમાં લાઇસન્સ વગર કંપની સર્વિસ ન આપી શકે.
આ બાબતે એરટેલે જણાવ્યું હતું કે, તેણે સ્પેસેક્સ સાથે કરાર કર્યો છે. ભારતમાં સ્ટારલિંક આવે છે તો એરટેલ દ્વારા સ્ટારલિંકના ઇક્વિપમેન્ટ વેચી શકાય છે. આ ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. એરટેલ એકબાજુએ સ્ટારલિંકનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપયોગમાં લઇ શકશે. બીજી બાજુએ સ્ટારલિંક માટે ભારતમાં વિસ્તરણ સરળ થઈ જશે. એરટેલના વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો પણ સ્ટારલિંકને મળશે. ઇલોન મસ્કની સ્ટારલિંક વિશ્વમાં ઘણી લોકપ્રિય છે. તે પરંપરાગત ઓપ્ટિકલ ફાઇબરથી અલગ છે. તેનું કારણ ઇન્ટરનેટ ત્યાં સેટેલાઇટ દ્વારા મળે છે. આ માટે છત પર કંપનીનું એન્ટેના લગાવવાનું હોય છે, જે સ્ટારલિંક સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. સ્ટારલિંકના સેટેલાઇટ બીજા સેટેલાઇટની તુલનાએ ઘણા નીચે હોય છે. તેના કારણે કનેક્ટિવિટી ફાસ્ટ રહે છે. વિમાનમાં પણ સ્ટારલિંકનું ઇન્ટરનેટ ઘણું સ્પીડમાં ચાલે છે.
આ મામલે એરટેલના મેનેજિંગ ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ મિત્તલે જણાવ્યું હતું કે, ભારતમાં નેકસ્ટ જનરેશન સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્પેસેક્સની સાથેનો કરાર એક સીમાચિન્હરુપ છે. તેના લીધે અંતરિયાળ વિસ્તારોમાં પણ વિશ્વસ્તરીય હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે. સ્પેસેક્સના પ્રમુખ ગ્વેઇન શોટવેલે જણાવ્યું હતું કે ભારતના લોકોમાં સ્ટારલિંક પરિવર્તનકારી ફેરફાર લાવશે. સ્ટારલિંક વિશ્વભરના ઓર્ગેનાઇઝેશન અને કારોબારોને પણ કનેક્ટ કરી રહ્યું છે.
સ્ટારલિંકના લીધે સૌથી વધુ ફાયદો અંતરિયાળ વિસ્તારોને થશે, જ્યાં ફાઇબર ઓપ્ટિક્સ પહોંચતા નથી. હવે સ્ટારલિંક ભારતમાં કયા પ્રકારની સર્વિસ લાવશે તે જાેવાનું રહેશે. તેમા પોર્ટેબલ પ્લાન્સ પણ છે. ગાડીની છત પર સ્ટારલિંકનું એન્ટેના લગાવી લો તો કારમાં પણ ઇન્ટરનેટ ચલાવી શકાશે.