ગાંધીનગર રાજભવન ખાતે હોળી-ધૂળેટીનો રંગોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યો સાથે પરંપરાગત રીતે હોળી રમી હતી.
રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ તેમના પરિવાર સાથે આ ઉત્સવમાં જોડાયા. નાના બાળકોએ ઉત્સાહપૂર્વક રાજ્યપાલને રંગ લગાવ્યો હતો. રાજ્યપાલે પણ સૌને પ્રેમથી રંગ-ગુલાલ લગાવ્યો હતો.

કાર્યક્રમમાં રાજસ્થાની લોકકલાકારોએ વિશેષ પ્રસ્તુતિ આપી હતી. તેમણે ડફલી અને ઢોલની ધૂન પર પરંપરાગત ગેર નૃત્ય રજૂ કર્યું હતું. હોળીના લોકગીતોથી વાતાવરણ સંગીતમય બની ગયું હતું.

રાજ્યપાલે સૌને આશીર્વાદ આપ્યા અને સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને પ્રેમ પ્રસરાવવાનો સંદેશ આપ્યો હતો. નાના-મોટાનો ભેદ ભૂલી સૌએ એક સાથે મળી હોળીના રંગોમાં તરબોળ થઈ પર્વની ઉજવણી કરી હતી.

રાજભવનનો આ હોળી મહોત્સવ પરંપરા, સંસ્કૃતિ અને સૌહાર્દનું અનોખું ઉદાહરણ બન્યો હતો. સૌએ પ્રેમ અને ઉલ્લાસથી એકબીજાને રંગીને આ તહેવારની મજા માણી હતી.

