Gujarat

મધરાતે પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ

ગુજરાતમાં અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરના પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ મધરાતે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તેમણે એલસીબી, એસઓજી, ટ્રાફિક અને સ્થાનિક પોલીસની ટીમો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન ઘ-0 સર્કલથી શરૂ કરી TCS રોડ, રિલાયન્સ ચોકડી અને કુડાસણના સરદાર ચોક સુધીના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પગલું DGP વિકાસ સહાયના નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાલમાં દુકાનો અને વાહનોમાં તોડફોડની ઘટના બાદ DGPએ 100 દિવસમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી છે.

પોલીસે ખંડણી ઉઘરાવનારા, ધમકી આપનારા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, દારૂ-જુગારના ધંધામાં સંકળાયેલા અને ખનીજ ચોરીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મોડી રાત સુધી શહેરમાં અડ્ડો જમાવતા તત્વો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.