૦૧ વર્ષથી ૧૯ વર્ષના બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવા અનુરોધ
દેશભરમાં તા. ૨૦ માર્ચના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ જિલ્લામાં તા. ૨૦ માર્ચના રોજ રાઉન્ડ અને તા. ૨૭ માર્ચના રોજ મોપ અપ રાઉન્ડ યોજાશે. જેમાં ૦૧ વર્ષથી ૧૯ વર્ષના આશરે ૩,૬૭,૦૦૦ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શનમાં તમામ ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨ અર્બન હેલ્થ સેન્ટર, ૩૪૮ સબ સેન્ટર અને તેના સેજાના ગામો – ૬૦પમાં “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જેમાં કૃમિ વિષયક જાગૃતિ પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવશે. દરેક તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર કક્ષાએ જુથ ચર્ચા, ગૃપ મીટીંગ, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફીલ્મો, કેમ્પ, વર્કશોપ યોજવામાં આવશે તેમજ સપ્તધારાના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
રાજકોટ જિલ્લા આરોગ્યની ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો દ્વારા બુથ પર બાળકોને કૃમિની ગોળી ખવડાવવાની કામગીરી કરવામાં આવશે. અસરકારક નિરીક્ષણ માટે સુપરવાઈઝરો નિમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે.
તા. ૨૦ માર્ચના રોજ કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાકી રહેલા બાળકોને તા. ૨૭ માર્ચના રોજ મોપ અપ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આરોગ્ય ટીમ દ્વારા ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાતરી કરવામાં આવશે. અને જો કૃમિનાશક ગોળી ખવડાવવામાં બાળક બાકી હશે તો સ્થળ પર જ ગોળી ખવડાવવામાં આવશે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે તેટલીવાર આ ગોળી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય કૃમિનાશક ગોળી ખવડાવવી જોઈએ. આથી, આરોગ્ય તંત્ર દ્વારા બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કૃમિનાશક ગોળી બાળકોને કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછું થવું જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

