સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોમાં જંગલો અને તેનું મહત્ત્વ, પૃથ્વી પરના જીવનચક્રને સંતુલિત કરવા માટે જંગલોના યોગદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વિશ્વ વન દિવસની વર્ષ 2025ની થીમ ‘જંગલો અને ખોરાક’ છે. રાજકોટમાં વર્ષ 2024માં સાત હેક્ટરમાં 70 હજાર વૃક્ષનું વાવેતર થયુ છે.
આ વખતની થીમ ખાદ્યસુરક્ષા, પોષણ અને આજીવિકામાં જંગલોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. જંગલો આપણને ખોરાક સાથે બળતણ, આવક અને રોજગારી પૂરી પાડે છે. આ ઉપરાંત, જંગલો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખે છે, જળ સંસાધનોનું રક્ષણ કરે છે અને મહત્વના પરાગરજકો સહિત જૈવવિવિધતાને આશ્રય આપીને સૃષ્ટિને ટકાવે છે. જંગલો કાર્બન સંગ્રહ કરીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં ફાળો આપે છે.

સંયુક્ત રાષ્ટ્રના ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’ના એક અહેવાલ મુજબ, વિશ્વભરમાં આશરે 5 અબજથી વધુ લોકો ખોરાક, દવા અને આજીવિકા માટે જંગલ અને લાકડા સિવાયના વન ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. 2 અબજથી વધુ લોકો રસોઈ માટે લાકડા અને અન્ય પરંપરાગત ઈંધણ પર આધાર રાખે છે.
જંગલી માસ એ સ્વદેશી લોકો અને ગ્રામીણ સમુદાયો માટે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં એક મહત્વપૂર્ણ પ્રોટીન સ્ત્રોત છે. જંગલી પ્રાણીઓની 3200થી વધુ પ્રજાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કેટલાક દેશો અને પ્રદેશોમાં જંગલો અને વૃક્ષો ગ્રામીણ પરિવારોની આવકના લગભગ 20 ટકા પૂરા પાડે છે. આમ છતાં પણ જંગલનું મહત્ત્વ ભુલાઈ રહ્યું છે.
આજે વિશ્વના અનેક દેશો આબોહવા પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. આ બધા પ્રશ્નોની સામે આપણી આગામી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવાનો એકમાત્ર રસ્તો જંગલો અને તેમના સંસાધનોનું જતન અને તેનું ટકાઉ સંચાલન છે.

મહત્ત્વનું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પર્યાવરણને ‘અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર’ માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. રાજ્યમાં વન અને વન્યજીવ સંરક્ષણ સાથે નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા અંદાજપત્રમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 3140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે રૂ. 655 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં, ગ્રીન કવર વધારવાના હેતુસર સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ. 563 કરોડ ફાળવાયા છે.

