પંચમહાલ જિલ્લાના 80થી વધુ ખેલ સહાયક શિક્ષકોએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોના જણાવ્યા મુજબ, તેમને ફેબ્રુઆરી માસ માટે માત્ર સાત દિવસનું જ વેતન ચૂકવવામાં આવ્યું છે.

શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ખેલ સહાયકોને ફેબ્રુઆરી માસનું સંપૂર્ણ વેતન ચૂકવવામાં આવ્યું છે.

શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે તેમણે આખો મહિનો ફરજ બજાવી હોવા છતાં તેમની સાથે અન્યાય થયો છે. તેમણે પૂર્ણ પગાર ચૂકવવાની માંગ સાથે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો કે, શિક્ષકોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમને પૂર્ણ વેતન નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

