National

ભારત ૨૨થી ૨૮ માર્ચ, ૨૦૨૫ સુધી કેન્દ્રીય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરશે

ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આંતરરાષ્ટ્રીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (આઇવાયઇપી) અંતર્ગત ૨૨થી ૨૮ માર્ચ, ૨૦૨૫ સુધી ભારતમાં ત્રીજા મધ્ય એશિયાઈ યુવા પ્રતિનિધિમંડળનું આયોજન કરશે.

આ પહેલનો ઉદ્દેશ યુવાનોના સહયોગ, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને ભારત અને મધ્ય એશિયાના દેશો – કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાનો છે.

આ કાર્યક્રમ જાન્યુઆરી, ૨૦૨૨માં આયોજિત ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટ દરમિયાન નિર્ધારિત વિઝનને અનુસરે છે, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રનાં યુવાન નેતાઓ વચ્ચે પારસ્પરિક સમજણ વધારવા માટે વાર્ષિક યુવા આદાન-પ્રદાન પહેલની દરખાસ્ત રજૂ કરી હતી. ૧૦૦ સભ્યોનું આ પ્રતિનિધિમંડળ વિવિધ પ્રવૃત્તિઓમાં જાેડાશે, જેમાં ભારતનાં ઐતિહાસિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નોની શોધ કરવામાં આવશે. તેમજ સ્થાનિક યુવા નેતાઓ અને મુખ્ય હિતધારકો સાથે વાતચીત કરવામાં આવશે.

આ મુલાકાતની મુખ્ય મુખ્ય બાબતો:-

• સાંસ્કૃતિક અને વારસાનો પરિચય: તાજમહેલ, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો અને ગોવાનાં હેરિટેજ સ્થળોની મુલાકાત લઈને ભારતની સ્થાપત્ય અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ લેવો.

• એકેડમિક અને આર્થિક જાેડાણ: ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની પ્રગતિની તકો શોધવા આઇઆઇટી દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે ચર્ચાવિચારણા તથા ગોવા ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)/ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની મુલાકાત લેશે.

• યુથ નેટવર્કિંગ એન્ડ વોલન્ટિયરિઝમ: માય ભારત સાથે જાેડાણ યુવા સશક્તિકરણ, નેતૃત્વ અને નવીનતા પર ચર્ચા કરવા સ્વયંસેવકો છે.

• ઉચ્ચ-સ્તરીય રાજદ્વારી આદાનપ્રદાન: યુવા મુત્સદ્દીગીરીના મહત્વ પર ભાર મૂકતા માનનીય વિદેશ મંત્રી, ગોવાના માનનીય મુખ્યમંત્રી અને ગોવાના માનનીય રાજ્યપાલ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવશે.

• સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને ગાલા ડિનર: પ્રતિનિધિમંડળનાં સન્માનમાં ગોળમેજી પરિષદ અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રતિનિધિઓ તેમનાં દેશોમાં યુવાનો સાથે જાેડાવા માટે તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરશે.

આ મુલાકાત ભવિષ્યના સહયોગ, આંતર-સાંસ્કૃતિક સમજણ, નેતૃત્વ વિકાસ અને મુખ્ય ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. યુવા આદાન-પ્રદાનનો આ કાર્યક્રમ ભારતની મધ્ય એશિયા સાથે પ્રાદેશિક શાંતિ, મૈત્રી અને આર્થિક ભાગીદારી પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે, જેથી સદ્ભાવનાનાં જાેડાણમાં સતત વધારો થતો રહે.