Gujarat

રાજકોટમાં 1523 ગેરકાયદે બાંધકામોને નોટિસો અપાઈ પણ માત્ર 26નાં ડિમોલિશન, કોર્પોરેટરોની 32 પૈકી માત્ર 8 ફરિયાદનો જ નિકાલ

રાજકોટમાં ગત મેં મહિનામાં સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ટીપી શાખાની કામગીરી ધીમી ગતિએ થતી હોવાની વધુ એક સાબિતી સામે આવી છે. જેમાં આટલી મોટી દુર્ઘટના બાદ પણ ગેરકાયદે બાંધકામોને હટાવવામાં મનપાની ટીપી શાખા ઉદાસીન હોય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.

અગ્નિકાંડ સર્જાયા બાદ ધડાધડ નોટિસો આપવાનું શરૂ કરાયું હતું. જેમાં 1523 ગેરકાયદેસર બાંધકામોને નોટિસો અપાઈ હતી. પણ આ પૈકી માત્ર 26નાં ડિમોલિશન કરાયા છે. એટલું જ નહીં કોર્પોરેટરોએ કરેલી 32 પૈકી માત્ર 8 ફરિયાદનો અત્યાર સુધીમાં નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઈમ્પેક્ટ ફી, કોર્ટ કેસ સહિતના કારણોથી ડિમોલિશન કરાયું નથી મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ અગ્નિકાંડ સર્જાયા પછીથી તા. 31-જાન્યુઆરી, 2025 સુધીમાં ગેરકાયદે બાંધકામ રોકવાની 260-1 મુજબની 1,221 અને 260-2 હેઠળ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની 302 નોટિસ આપી હતી.

જોકે આ વર્ષમાં 1523 નોટિસમાંથી માત્ર 26 બાંધકામના ડિમોલિશન કરવામાં આવ્યા છે. આ સિવાય ઈમ્પેક્ટ ફી, કોર્ટ કેસ સહિતના કારણોને લઈને ડિમોલિશન કરવામાં આવ્યું નથી. રાજકોટમાં જુદા-જુદા વોર્ડનાં કોર્પોરેટરોએ પણ ગેરકાયદે બાંધકામની 32 ફરિયાદો કરી હતી. આ પૈકી 8 ફરિયાદોનો જ નિકાલ કરવામાં આવ્યાનો સ્વીકાર કરાયો છે.

સેન્ટ્રલ ઝોનમાં 55 નોટિસ સામે 10 ડિમોલિશન સેન્ટ્રલ ઝોનની વોર્ડ વાઇઝ જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર વોર્ડ નં.2માં 260-1 મુજબ 4 નોટિસ, 3 ડિમોલિશન, વોર્ડ નં. 13માં 24 નોટિસ અને 2 ડિમોલિશન, વોર્ડ નં.3માં 4 નોટિસ અને 1 ડિમોલિશન, વોર્ડ નં.14માં 5 નોટિસ, વોર્ડ નં.17માં 8 નોટિસ અને 2 ડિમોલિશન કરાયા છે. એકંદરે સેન્ટ્રલ ઝોનમાં 55 નોટિસ સામે 10 ડિમોલિશન કરાયા છે. તો વોર્ડ નં.7માં 1 કેસમાં કોર્ટ મેટર હોવાનો જવાબ અપાયો છે.

વેસ્ટ ઝોનમાં 88 નોટિસ સામે માત્ર 3 ડિમોલિશન વેસ્ટ ઝોનમાં કુલ 88 નોટિસ સામે માત્ર 3 ડિમોલિશન કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નોટિસ વોર્ડ નં. 11ના મવડીમાં 63, વોર્ડ નં.8માં 11, વોર્ડ નં.10માં 4, વોર્ડ નં.9માં 3, વોર્ડ નં. 12માં 3 અને વોર્ડ નં.1માં પણ ત્રણ નોટિસ અપાઇ છે. ઇસ્ટ ઝોનમાં 1,380 નોટિસ સામે માત્ર 13 ડિમોલિશન કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નોટિસ કોઠારીયા રોડના નિલકંઠ સિનેમા પાછળના અને આજુબાજુના વોર્ડ નં.16માં 1,014 આપવામાં આવી છે. અને ત્યાં એક પણ ડિમોલિશન કરવામાં આવ્યું નથી.