સુરત શહેરમાં ન્યૂસન્સરૂપ ગુંડા તત્ત્વો સામે પોલીસ કાયદાનો સકંજો કસી રહી છે. ડીજીપીના આદેશ બાદ 2036 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી કાયદાકીય કાર્યવાહી કરવા સાથે પોલીસ ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામોનો પણ સફાયો કરી રહી છે.
જેમાં 200થી વધુ બૂટલેગર પણ છે. બૂટલેગરો દ્વારા ઘર પાસે બનાવવામાં આવેલા ગેરકાયદે દબાણને પોલીસ દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પુણા વિસ્તારમાં બે મહિલા બૂટલેગરની બાજુમાં પતરાના બનાવેલા શેડને પણ પોલીસ દ્વારા રાત્રે ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યા હતા.

લુખ્ખા તત્ત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું સુરત શહેર પોલીસે અસામાજિક તત્ત્વોને ભીંસમાં લેવા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યુ છે. 15થી વધુ લુખ્ખા તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

જેમાં કુખ્યાત આરોપીઓ અને બૂટલેગરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ઝોન 1 વિસ્તારમાં વરાછામાં બે બૂટલેગર લસકાણામાં બે બૂટલેગર બાદ પુણા વિસ્તારમાં બે મહિલા બૂટલેગર સહિત ત્રણ બૂટલેગરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

