સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ GIDC વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાવ્યા ડાઈગ મિલમાં ઓઇલ ટેન્કમાં અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટના કારણે ટેન્કમાંથી ઓઇલ આસપાસની કંપનીઓ અને રોડ પર ફેલાઈ ગયું હતું. આ ઘટનાને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના કામદારોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આગની લપેટમાં કંપનીની ચીમની પણ આવી જતાં તે સળગી ઊઠી હતી. આ જ કંપનીમાં થોડા સમય પહેલા પણ ટેન્ક બ્લાસ્ટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં બોઇલરનું તાપમાન નિયંત્રણમાં ન રહેવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ઘટનાની જાણ થતાં કીમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કંપની સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

