Gujarat

શહેરમાં એક વર્ષમાં કોઇ પશુપાલકે ઢોર રાખવા લાયસન્સ માટે અરજી કરી નથી

જામનગરમાં કેટલ પોલીસીના અમલને એક વર્ષ થવા છતાં એકપણ પશુપાલકે ઢોર રાખવા લાયસન્સ માટે અરજી કરવાની દરકાર પણ કરી નથી. ત્યારે રખડતા ઢોર નિયંત્રણ પોલીસીની કડક અમલવારી કરવામાં આવશે અને ઢોર માલિકોની મનમાની તથા ખડતા ઢોરથી જીવલેણ અકસ્માત, વાહનોને નુક્સાન પણ હવે ચલાવામાં નહીં આવે તેમ ડીએમસીએ જણાવ્યું હતું. જામનગર શહેરમાં રખડતા ઢોરની જીવલેણ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે.

શહેરમાં કેટલ પોલિસી અંગે અને તેની અમલવારી અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં મનપાના ડીએમસી ઝાલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઢોરમાલિકોની મનમાનીનો હવે કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. જામનગરના લોકોને રખડતા ઢોર ત્રાસરૂપ બની રહ્યા છે. લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે. લોકોના મૃત્યુ પણ થયા છે.

વાહનોને નુક્સાન થઈ રહ્યું છે. રોગચાળો ફેલાય છે. પરંતુ હવે બહું થયું. આ સ્થિતિ હવે ચલાવી લેવાશે નહીં. કેટલ પોલિસી વર્ષ-2024માં જાહેર થઈ છે. જેને એક વર્ષ થવા છતાં જામનગરના એકપણ ઢોરમાલિકો ઢોર રાખવાની પરમીટ કે લાયસન્સ મેળવવા અરજી કરવાની દરકાર કરી નથી. તેઓ માને છે કે, અમારૂં તંત્ર શું બગાડી લેશે? પરંતુ હાલમાં દરેક ઢોરમાલિકને અને ઘાસના વિક્રેતાઓને વેંચાણ માટે લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા, ઢોરને ટેગ લગાડવાની સૂચના આપવામાં આવી છે.

જેમાં મોટાભાગના પશુપાલકો સહકાર આપવા તૈયાર થયા છે અને પશુઓને શહેરથી દૂર બહારના વિસ્તારમાં સ્થળાંતર માટે સમય માંગ્યો છે. અમુક ઢોરમાલિકોએ તેમના થોડા ઢોરનું સ્થળાંતર પણ કર્યું છે. આમ છતાં મનપાએ એક અઠવાડિયાની મુદ્ત આપી છે.

શહેરમાં ઢોરમાલિકોને પોતાના ઘરે ઢોર રાખવાનો અધિકાર જ નથી તેમ જણાવી કેટલ પોલિસીના તમામ નિયમોનું ચોક્કસ પણે પાલન થાય તે માટે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવી મનપાના અધિકારીઓએ મક્કમતાથી નગરજનોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા કડકમાં કડક અવિરત કાર્યવાહીનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.