International

ઈજિપ્ત તરફથી નવો પ્રસ્તાવ : યુએસ-ઈઝરાયેલના પાંચ બંધકોના બદલામાં અઠવાડિયા સુધીનો યુદ્ધવિરામ

અન્ય હુમલાઓમાં ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત

યુદ્ધની શરૂઆતથી હમાસની ૧૯ મેમ્બર્સની ર્નિણય લેતી કમિટીના કુલ ૧૧ મેમ્બર્સના મોત થઈ ગયા છે

ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ગાઝા પટ્ટી પર ના હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે, આ મામલે ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. બીજી તરફ, ઈઝરાયેલને હમાસ સાથે યુદ્ધવિરામ તોડયાના અઠવાડિયા પછી ઈજિપ્ત તરફથી યુદ્ધવિરામનો નવો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેમાં, ઈઝરાયેલ-યુએસના પાંચ જીવિત બંધકોના બદલામાં એક અઠવાડિયાનો યુદ્ધવિરામની સાથે ઈઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

વધુમાં આ બાબતે ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ખાન યુનિસમાં આવેલા નાસેર હોસ્પિટલના સર્જરી વિભાગને અસર થઈ છે. ઈઝરાયેલી આર્મીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે ઓછું નુકસાન પહોચાડવાના ઉદ્દેશ સાથે ચોકસાઈવાળા હથિયારોથી હુમલો કરવામાં આળ્યો હતો. હમાસે જણાવ્યું કે, તેના રાજ્કીય કાર્યાલયના મેમ્બર ઈસ્માઈલ બરહૌમનું મોત થયું હતું. આ પહેલા અન્ય એક હુમલામાં હમાસના નેતા સલાહ અલ-બરદાવીલનું મોત થયું હતું.

આ સંબંધિત મામલે હમાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, બરદાવિલ અને બરહૌમ બંને હમાસની ૧૯ મેમ્બર્સની ર્નિણય લેતી સંસ્થાના સભ્યો હતા. જેમાંથી ૧૧, ૨૦૨૩ના અંતમાં શરૂ થયેલા યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. હમાસના અલ-અક્સા ટીવીના રિપોર્ટ અનુસાર, બરહૌમ અગાઉના હુમલામાં ઘાયલ થયા હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.